ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત “સંવિધાન સે સ્વાભિમાન” કાર્યક્રમ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત “સંવિધાન સે સ્વાભિમાન” કાર્યક્રમમાં ગાંધીનગર ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત અનુસૂચિત જાતિના ચૂંટાયેલા જનપ્રતિનિધીઓને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી સુશીલકુમાર શિંદેએ જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર ને જે તે સમયે ન સ્વીકારી સકનારાઓ, અને આજે સંવિધાન બદલી નાંખવા માટે જેઓ સદા તત્પર છે તે આર.એસ.એસ. – ભાજપ સામે લડત આપવાનો સમય છે.  દલિત સમાજને અન્યાય કરવો, દલિત સમાજના અધિકાર છીનવવાની માનસિક્તા સામે ડૉ. બાબાસાહેબ આંબેડકર ના વિચારોથી પ્રેરીત થઈને સંઘર્ષ કરવાનો છે. સમગ્ર દેશમાં જે તે સમયે શ્રીમતી ઈન્દીરા ગાંધીએ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરી બેન્કોના દરવાજા સામાન્ય, ગરીબ , આદિવાસી-દલિત સમાજ માટે ખુલ્લા કરી દીધા. પરિણામે લાખો નોકરીઓની તક ઉભી થઈ અને દલિત સમાજના યુવાનોને નોકરીની તકો મળી.

કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન ને ઉજાગર કરતી નૃત્યનાટિકા સુંદર રીતે રજુ કરવામાં આવી હતી. હૈદરાબાદ ખાતે દલિત સમાજના શ્રેષ્ઠ કારકિર્દી ધરાવતા યુવાન રોહિત વેમુલાને આપઘાત કરવાની ફરજ પડી જેને લીધે સમગ્ર દેશમાં ભાજપ – આર.એસ.એસ. ની માનસિક્તા સામે આક્રોશ છે ત્યારે આજના કાર્યક્રમમાં શહીદ રોહિત વેમુલાને શ્રધ્ધાસુમન પાઠવવા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.