તમામ તાલુકામાં પેટ્રોલ-ડીઝલ ભાવ વધારા સામે દેખાવો કરી આવેદનપત્ર કાર્યક્રમ

મોંઘવારીના બેફામ માર સહન કરી રહેલ રાજ્યની જનતાને થોડી ઘણી પણ રાહત મળે તેવા ઉપાય કરવાને બદલે પેટ્રોલ-ડીઝલ પર ભાજપ સરકારે વેટ અને સેસના દર વધારીને હાલાકી માં વધારો કર્યો છે. ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસના વધારાના લીધે મોંઘવારી વધારા સામે રાજ્યમાં સમગ્ર તાલુકા મથકો ઉપર મોંઘવારી વિરોધી અને પેટ્રોલ-ડીઝલના વેટ અ સેસ પાછા ખેંચવાની માંગ સાથે કોંગ્રેસ પક્ષે રાજ્ય વ્યાપી દેખાવો કરી આક્રોશ સાથે ઘરણાં કરી અને મામલતદારને આવેદનપત્રો આપ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના સૌથી નીચા ભાવ હોવા છતાં તેનો લાભ ગુજરાત અને દેશના નાગરિકોને ગુજરાતની ભાજપ સરકાર વેટ અને સેસ થોપી બેસાડી સામાન્ય અને મધ્યમ વર્ગ માટે પેટ્રોલ-ડીઝલમાં કરોડો રૂપિયાની લૂંટ ચલાવી રહી છે. ત્યારે ગુજરાતના 6 કરોડ નાગરિકોને મોંઘવારીમાં રાહત મળે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ ઘટાડાનો સીધો લાભ ગુજરાતના નાગરિકોને મળે તેવી માંગ સાથે યોજાયેલ ધરણાં કાર્યક્રમ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની અને ગુજરાતની ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે.

વિશ્વ બજારમાં ક્રુડનો ભાવ ઘટી રહ્યો હોવા છતાં વેટ અને સેસના લીધે પેટ્રોલ-ડીઝલ ગુજરાતમાં મોંઘા મળે છે. પેટ્રોલ-ડીઝલના ઉંચા ભાવોને લીધે મોંઘવારી કુદકેને ભૂસકે આગળ વધી રહી છે. વેટનો લક્ષ્યાંક સિધ્ધ કરવામાં નિષ્ફળ નીવડેલી ભાજપ સરકારે વેટના ભ્રષ્ટ અધિકારીઓને ડામ દેવાને બદલે પેટ્રોલ અને ડીઝલના વેટ દરોમાં અને તેના ઉપર લેવાતી સેસના દરોમાં 4 ટકા જેટલો વધારો કરીને રાજ્યની જનતાને મોંઘવારીનો ડામ દીધો છે. ભાજપ સરકારની ભ્રષ્ટાચારી નિતીઓ અને બેફામ / ઊડાઉ ખર્ચાના કારણે ગુજરાતનું દેવું 1.81 હજાર કરોડ જેટલું દેવાદાર રાજ્ય બની ગયું છે. ત્યારે ભાજપ સરકારના દેવાળીયા વહીવટનો ભોગ ગુજરાતનો નાગરિક બની રહ્યો છે. રાજ્યના 33 જિલ્લાઓના ૧૭૦ થી વધુ તાલુકા મથકો પર મામલતદારની કચેરી સામે ધરણાં, દેખાવો યોજી આવેદનપત્રો આપવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉમટી પડ્યા હતા.