ટોલટેક્ષના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢી ટોલનાકા પર આવેદનપત્ર આપ્યું

– આણંદ જિલ્લાના વાહનોનો ટોલટેક્ષ નાબૂદ કરવા અને સર્વિસ રોડ આપવા માગણી
– ટોલટેક્ષના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢી ટોલનાકા પર આવેદનપત્ર આપ્યું
આણંદ: નેશનલ હાઈવે ઓથોરિટિ દ્વારા વાસદ ખાતે ઊભા કરવામાં આવેલાં ટોલનાકાનો કોંગ્રેસ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રવિવારના રોજ રેલી કાઢી ચક્કાજામ કરવામાં આવતાં અફડાતફડી મચી ગઈ હતી. આ આંદોલનમાં આણંદ જિલ્લાના વાહનોને ટોલમાંથી મુક્તિ આપવા માગણી કરવામાં આવી હતી.
હાઇવે ઓથોરીટી દ્વારા વાસદ અને આસપાસના ગામોના વાહનચાલકો માટે સર્વિસ રોડની સુવિધા ઉભી કર્યા સિવાય નેશનલ હાઈવેને સિક્સલેન બનાવીને વાસદ ખાતે ટોલનાકા ઉપર વાહનચાલકો પાસેથી અસહ્ય ટોલટેક્ષ વસૂલાતા આણંદ જિલ્લાના વેપાર-ઉદ્યોગ અને ખેડૂતોની ઉપર ટોલટેક્ષનો ભારણ વધી ગયું છે. અને તેની અસર જીવનજરૂરિયાત ચીજવસ્તુઓ પર પડી છે.
આ અંગે આંકલાવનાં કોંગી ધારાસભ્ય અમિતભાઈ ચાવડાની આગેવાની હેઠળ કોંગ્રેસી કાર્યકરો અને આજુબાજુના ગામોના સરપંચ અને આગેવાનો દ્વારા વાસદ ટાવર પાસે આવેલી ધર્મશાળાએ રેલી કાઢવામાં આવી હતી.  આ રેલી ગામના માર્ગો પર ફરીને વાસદ ટોલનાકા પાસે પહોંચી હતી.
ટોલનાકા ઉપર કોંગ્રેસી કાર્યકરો અને ગ્રામજનોએ રોડ પર બેસી જઇ ‘સર્વિસ રોડ નહીં તો ટોલટેક્ષ નહી’ ‘આણંદ જિલ્લાના નાગરિકોને ટોલટેક્ષમાંથી મુક્તિ’ અસહ્ય ટોલટેક્ષમાં ઘટાડો કરવાની માંગ એવા સૂત્રોચ્ચાર કર્યા હતા. સતત દોઢ કલાક સુધી ભારે સૂત્રોચ્ચાર કરી ટોલટેક્ષનો વિરોધ નોંધાયો હતો.

http://www.divyabhaskar.co.in/news/MGUJ-ANA-OMC-provide-service-road-and-complete-elimination-of-toll-tax-demand-at-vasad-5212969-PHO.html