સરકાર સિંચાઈ, પીવા-ઉદ્યોગોેને કેટલું પાણી આપે છે તે જાહેર કરે
ડિસેમ્બરે ગુજરાત સરકારે રવીપાક માટે તથા લોકોને પીવા માટે નર્મદામાંથી ૫૧૨૫ ક્યુસેક પાણીનો જથ્થો આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસે માગણી કરી છે કે છેલ્લા ૧૪ વર્ષમાં નર્મદાના પાણીનો જથ્થો કેટલો સિંચાઈ માટે, કેટલો પીવાના પાણી માટે અને કેટલો ઉદ્યોગોને આપવામાં આવ્યો તે અંગેનું સરકાર શ્વેતપત્ર બહાર પાડે. પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે નર્મદા યોજનાનો ઉદ્દેશ જ સિંચાઈ અને પીવાના પાણી માટેનો હતો. પરંતુ ગુજરાતની ભાજપ સરકારે આ યોજનાનું પાણી ઉદ્યોગોને પ્રાથમિકતાના ધોરણે આપે છે.
તેમણે જણાવ્યું છે કે, ૨૦ હજાર કરતાં વધુ ઉદ્યોગો કરોડો લિટર પાણી સરકારી પરવાના હેઠળ ખેંચી રહ્યા છે. આ ઉપરાંત આ ઉદ્યોગો ગેરકાયદેસર રીતે કરોડો લિટર પાણી લૂંટી રહ્યા છે. વર્ષે દહાડે રૂ. બે હજાર કરોડ રૂપિયાના પાણીની લૂંટ ઉદ્યોગો ચલાવે છે અને સરકાર જોયા કરે છે. બીજી બાજુ ગુજરાતના ૮ હજાર ગામોમાં લોકો પીવાના પાણીના અભાવે પરેશાન છે.
તેમણે જણાવ્યું કે સરકારે કરેલી જાહેરાતમાં અત્યારે કેટલું પાણી આપવામાં આવે છે અને હવે વધારાનું કેટલું પાણી આપવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. આ સ્થિતિમાં સરકારે શ્વેતપત્ર બહાર પાડી નર્મદા યોજનાના પાણીના ઉપયોગની સાચી વિગતો પ્રજાને આપવી જોઈએ.
http://www.sandesh.com/article.aspx?newsid=3194627