મનરેગા યોજનાને નાણાં ન ફાળવીને સરકારે યુવાનોની રોજગારી છીનવી છે

છેલ્લાં ૧૫ વર્ષમાં ભાજપ સરકારે ગરીબોના હક્કની જમીન છીનવી લઈ પોતાના મળતિયાઓને પધરાવી છે

૨૯મીએ યોજાનારી પાલિકા-પંચાયતની ચૂંટણી પ્રચારનાં અંતિમ દિવસે કોંગ્રેસનાં નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ આક્ષેપ મુકયો છે કે ગુજરાત સરકારે મનરેગા યોજનાને નાણાં નહીં ફાળવીને નવ યુવાનોની રોજગારી છીનવવાનું કામ કર્યું છે. છેલ્લા ૧૫ વર્ષમાં ભાજપ સરકારે ગરીબોના હક્કની જમીનો છીનવી લઈને પોતાનાં મળતીયાઓને પધરાવી દીધી છે. શહેર અને ગ્રામ્યને જોડતા ૬ હજાર જેટલા એસટી બસો રૃટ બંધ કરીને પ્રજાને હાલાકીની સ્થિતિમાં નાખી દીધી છે.

પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મીડિયા સમક્ષ આવો ઉકળાટ ઠાલવતાં જણઆવ્યું કે, ભાજપની ગુજરાત સરકાર ખેડૂત અને પ્રજા વિરોધી માનસિકતા ધરાવે છે. બક્ષી પંચ, આદિવાસી અને દલિત વર્ગના અધિકારો છીનવી લેવાયા છે. જાતિ વિષયક પ્રમાણપત્રો જલ્દીથી મળતા નથી. સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૮૦ ટકા ડોકટરોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. ૧૪૬૫૬ જેટલી શાળાઓમાં એક વર્ગખંડમાં એક કરતાં વધુ ધોરણનાં વિદ્યાર્થીને ભણાવાય છે.
સુપ્રીમ કોર્ટનો આદેશ છતાં BPL, APLનો સર્વે કરાતો નથી. નર્મદાની ૫૦ હજાર કિલોમીટર કેનાલ નેટવર્ક બાકી હોવાથી ગુજરાતનાં નાગરિકોને પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી. કાયદો- વ્યવસ્થાની સ્થિતી કથળી છે. નાગરિકોની ફરિયાદ લેવાતી નથી. ભાજપ સરકાર માટે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad-gujarat-congress-party-mgnrega-employment