ભાજપની માનસિકતા ભાગલા પાડી લોકોને ભ્રમિત કરી રાજ કરવાની છે
- ૨૦૦૨માં કોંગ્રેસને મુસ્લિમોની ગણાવી, થાનગઢ પછી દલિતો-ઠાકોરોની અને હવે પાટીદારોની ગણાવે છેે : શંકરસિંહ
- હાર્દિક જ નહીં, જાહેરજીવનમાં દુઃખી હોય તેવા તમામની સાથે કોંગ્રેસના કાર્યકરો કાયમ ઊભા રહેશે
હાઈકોર્ટની મહેરબાનીથી થતી ચૂંટણીઓ થઈ રહી છે. બાકી ભાજપની તો દાનત પણ નહોતી. તેના મૂળમાં બિહારની ચૂંટણીઓ હતી. ૧૫ વર્ષના શાસનમાં ગુજરાતની પ્રજા જે ન સમજી શકી તે ૧૫ મહિનામાં બિહારના લોકો સમજી ગયા. આ વખતે ગુજરાતમાં ભાજપ સરકારને મતદાર યાદી, મતદારો, જ્ઞાાતિ સમાજ કે પછી કોંગ્રેસ ઉપર મારવા હોય એટલા સિક્કા મારી લે. પોતાની નિષ્ફળતાઓ ઢાકવા બધી જ બાબતોમાં કોંગ્રેસ પ્રેરિતનો ઢોલ પિટવાની ટેવ ભાજપને જ ભારે પડવાની છે. તેવી ચેતવણી વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આપી છે.
હાર્દિક પટેલની પાછળ કોંગ્રેસનો દોરીસંચાર હોવાના આક્ષેપોનો જવાબ આપતા શંકરસિંહે કહ્યુ કે, ભાજપની માનસિકતા જ ભાગલા પાડી, લોકોને ભ્રમિત કરીને રાજ ટકાવી રાખવાની છે. આ એ જ ભાજપ છે જે ૨૦૦૨માં કોંગ્રેસને મુસ્લિમોની હોવાનો ઢોલ પિટતા, થાનગઢ હત્યાકાંડ પછી કોંગ્રેસ દલિતોની છે એમ કહેતા. ગ્રામ્ય વિસ્તારોમાં અફવાના ખેલમાં પણ કોંગ્રેસ ઠાકોરોની, હવે એક સમાજના મધ્યમવર્ગે અવાજ ઊઠાવ્યો તો ભાજપવાળા કહે છે કે કોંગ્રેસ પાટીદારોની થઈ ગઈ છે. હાર્દિક જ નહી, ગુજરાતના કોઈ પણ સમાજનો જે વર્ગ દુખી હોય જાહેરજીવનમાં તેની પડખે કોંગ્રેસના કાર્યકરો ઊભા રહેશે. ભાજપના આવા ફાલતુ આક્ષેપો તેની હારની હતાશા હોવાનું કહીને તાલુકા- જિલ્લા પંચાયતો અને નગરપાલિકામાં રવિવારે યોજનારા મતદાનમાં કોંગ્રેસના ઉમેદવારો જીતાડવા મતદારોને અપીલ કરી હતી.
http://www.sandesh.com/article.aspx?newsid=3181431