એક વ્યક્તિ સવા સો કરોડ લોકોનો નિર્ણય કેવી રીતે કરી શકે : રાહુલ
કોંગ્રસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બેંગ્લુરુ મુલાકાત સમયે કેન્દ્ર સરકાર પર શાબ્દિક બાણ વરસાવ્યા હતા. તેમણે અસહિષ્ણુતા મુદ્દે વડા પ્રધાન મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. બેંગ્લુરુમાં માઉન્ટ કાર્મેલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે, વર્તમાન કેન્દ્ર સરકાર માત્ર એક જ વ્યક્તિના હાથમાં છે. એક જ વ્યક્તિ બધું જાણે છે અને એક જ વ્યક્તિ બધા નિર્ણય કરે છે. એક જ વ્યક્તિ પાસે તમામ બાબતોનો જવાબ કેવી રીતે હોઈ શકે. તમે જો ખરેખર લોકો સાથે જોડાવા માગતા હોવ અને લોકોની સેવા કરવા માગતા હોવ તો તમારે લોકોની વાત પણ સાંભળવી જોઈએ. તેમના વિચારોને પણ મહત્ત્વ આપવું જોઈએ. અસહિષ્ણુતા અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, દેશમાં જે પણ થઈ રહ્યું છે તે ખૂબ જ દુઃખની વાત છે. મને તેનાથી દુઃખ થઈ રહ્યું છે. એક ભારતીય હોવાના કારણે દેશની આ સ્થિતિ જોતા પીડા થાય તે સ્વાભાવિક છે. જીવો અને જીવવા દોની નીતિ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે અને વર્તમાન સ્થિતિમાં આ બાબત અપનાવીને જ રહી શકાય તેમ છે.
વડા પ્રધાનને લાગે છે કે, પીએમઓમાંથી સમગ્ર દેશનું સંચાલન થઈ શકે છે જીએસટી અને જમીન સંપાદન અંગે રાહુલે કહ્યું કે,સરકાર વારંવાર કહે છે કે અમે આ બિલ માટે વિપક્ષોનો સાથ ઈચ્છીએ છીએ પણ તેમણે ક્યારેય આ બિલ અંગે મુક્ત રીતે ચર્ચા નથી કરી. તેઓ વિપક્ષ સાથે ચર્ચા જ નથી કરતા. વડા પ્રધાનને લાગે છે કે, પીએમઓમાંથી સમગ્ર દેશનું સંચાલન થઈ શકે છે. આ રીતે તેઓ દેશનો વિકાસ અને કાયાકલ્પ કરવા માગે છે. દેશની અર્થવ્યવસ્થામાં મંદી છે, દેશ અટકી ગયો છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3180856