ગુજરાત મોડલનો ફૂગ્ગો ફૂટી ગયો છે, રાજ્યમાં પરિવર્તનની લહેરઃ અહેમદ પટેલ
વાલિયા, ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના આગેવાનો અને કાર્યકરો સાથે મુલાકાત કરી ઉત્સાહ વધાર્યો
ઝઘડિયા / નેત્રંગ: ગુજરાત મોડલનો ફૂગ્ગો હવે ફૂટી ગયો છે અને ભાજપના શાસનમાં પ્રજા પરેશાન થઇ રહી છે આવા સંજોગોમાં હવે પરિવર્તનની લહેર શરૂ થઇ ચુકી છે તેમ રાજય સભાના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલએ જણાવ્યું છે. ભરૂચમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોની ચૂંટણી અગાઉ રાજય સભાના સાંસદ અહેમદ પટેલ દરેક તાલુકાની મુલાકાત લઇ આગેવાનો અને કાર્યકરો સાથે બેઠકો યોજી રહયાં છે. મંગળવારે તેમણે વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તાલુકાની મુલાકાત લઇ કાર્યકરોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકવાર આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજયસભાના સાંસદ અહેમદ પટેલે જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં દેશ અને રાજયની પ્રજા પીસાતી આવી રહી છે. રાજયમાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે ત્યારે એવા સમયે પ્રજાની પડખે રહી તેમના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય કરવુ તાલુકાના કાર્યકરોએ કરવું પડશે. આગામી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવારો, કાર્યકરોએ પ્રજા સમક્ષ જવુ પડશે. કોંગ્રેસ લોકોના દિલમાં વસી છે, કોંગ્રેસને જીતાડવાના ધ્યેય સાથે લોકો સમક્ષ જવું પડશે. ભાજપાથી લોકો નાસીપાસ થાય છે. ગુજરાત મોડલનો ફુગ્ગો પણ ફૂટી ગયો છે અને પરિવર્તનની લહેર ફૂંકાવાની શરૂ આત થઇ ચુકી છે.
http://www.divyabhaskar.co.in/news/DGUJ-BHA-OMC-congress-leader-ahmed-patel-held-meeting-with-followers-at-jaghadia-5177160-PHO.html