વડાપ્રધાન મોદીએ વેમ્બલીમાં અનેક જૂઠાણાં ચલાવ્યાં : કોંગ્રેસ

મોદીએ કહ્યું કે ૨૦૦૩માં વાજપેયીને કહીને લંડનથી અમદાવાદની ફલાઈટ ચાલુ કરાવી હતી પણ ખરેખર મનમોહન સિંઘે ૨૦૦૪થી શરૃ કરાવી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનનાં વેમ્બલી સ્ટેડીયમમાં ભારે જુઠાણા ચલાવ્યાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા લગાવાયો છે. જેમાં મોદીએ હજારો લોકોને એવું કહ્યું કે ૨૦૦૩માં વાજપેયીને કહીને મેં લંડનથી અમદાવાદની સીધી ફલાઈટ ચાલુ કરાવી હતી. પરંતુ વાસ્તવમાં ૨૦૦૪ બાદ કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર સત્તામાં આવ્યા બાદ એર ઈન્ડિયા દ્વારા અમદાવાદની હિથ્રોની સીધી વિમાની સેવા શરૃ કરાઈ હતી.
ગુજરાત કોંગ્રેસના મહામંત્રી અને પ્રવકતા નિશિત વ્યાસે જણાવ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહમદ પટેલ અને તત્કાલીન કેન્દ્રીય મંત્રી દિનશા પટેલની રજૂઆતને પગલે સીધી ફલાઈટનો નિર્ણય લેવાયો હતો. જોકે રેવન્યુ જનરેશનમાં લોસ જતાં ૨૦૦૯ પછી આ સેવા બંધ કરાઈ હતી. પરંતુ સત્તામાં આવ્યાને ૧૮ મહિના થયા હોવા છતાં ગુજરાતીઓનું હિત તેમના હૈયે વસતું હોવાનો દાવો કરાતો હોવા છતાં સીધી ફલાઈટ આપવાનું કેમ ભુલી ગયા હતા ?
૧૫મી ડીસેમ્બરથી સીધી ફલાઈટ ચાલુ કરવાનું વચન વડાપ્રધાન જાળવી રાખે. તેમજ તમામ દેશની રાજધાની સાથે અમદાવાદથી સીધી ફલાઈટ શરૃ કરવી જોઈએ. આ જ રીતે અમદાવાદની ન્યુયોર્કની સીધી ફલાઈટ પણ શરૃ કરવી જોઈએ. જેથી લોકોના આઠ કલાક બચી જાય. કોંગ્રેસનો આક્ષેપ છે કે આવા ઘણાં જુઠાણાં મોદીએ વેમ્બલી સ્ટેડીયમમાં ચલાવ્યા છે. જેમ કે ૧૦૦-૧૫૦ દિવસમાં ૧૫ કરોડ ખાતા ખુલી ગયાની વાતો કરે છે. બિહારની ચૂંટણીમાં ૧૯ કરોડ ખાતા ખુલવાની વાત કરી હતી. સાચો આંકડો ખરેખર ક્યો છે ?

http://gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-modi-s-congress-pass-lies-to-wembley