એઇમ્સના નામે કેન્દ્ર સરકારનો સૌરાષ્ટ્રના લોકોને ઊંધો તમાચો

– એકવાર જાહેરાત કરી દીધા બાદ ગુજરાતને ઠેંગો
– પ્રથમ બજેટમાં જાહેરાત કરાઇ, 50 કરોડ ફાળવ્યા બાદ અન્ય રાજ્યોને ફાળવણી
રાજકોટ : એઇમ્સના નામે સૌરાષ્ટ્રના લોકોને કેન્દ્ર સરકારે ઊંધો તમાચો મારીને હળહળતો અન્યાય કર્યાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. રાજકોટના સાંસદે સ્પષ્ટતા કરવી જોઇએ કે રાજકોટ શહેરને એઇમ્સ મળશે કે નહીં. પ્રથમ બજેટમાં ગુજરાતને એઇમ્સની ફાળવણી કરવામાં આવી હતી. 50 કરોડ રૂપિયાનું બજેટ પણ આપવામાં આવ્યું હતું. કાશ્મીરને બબ્બે એઇમ્સ ફાળવવામાં આવી છે. જ્યારે રાજકોટ (ગુજરાત)માં એઇમ્સ શરૂ થાય તેવી હવે કોઇ શક્યતા ન હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
નરેન્દ્ર મોદી સૌપ્રથમ વખત રાજકોટમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇને મુખ્યમંત્રી બન્યા હતા ત્યારબાદ તેઓ વડાપ્રધાન બન્યા તેના પછીના બજેટમાં ગુજરાતને એઇમ્સની ફાળવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં રાજકોટને એઇમ્સ મળે તેવી શક્યતાઓ વધુ હતી. રાજ્યના નાણામંત્રી નીતિનભાઇ પટેલે પણ જાહેરાત કરી દીધી હતી કે એઇમ્પસ રાજકોટને જ મળશે. એઇમ્સના મુદ્દે આરોગ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વડાપ્રધાનનો આભાર પણ વ્યક્ત કરી દીધો હતો.
હવે રાજકોટને એઇમ્સ મળે તેવા કોઇ સંજોગો રહ્યા નથી. છેલ્લે એઇમ્સ સંદર્ભે જે જાહેરાત કરવામાં આવી તેમાં રાજકોટનો કે ગુજરાતનો ક્યાંય ઉલ્લેખ નથી. ત્યારે સૌરાષ્ટ્રના 2 કરોડ લોકોની સુખાકારી માટે અતિ આશીર્વાદરૂપ બનનારી એઇમ્સની યોજના હાલના તબક્કે અભેરાઇ પર ચડી ગઇ છે.
આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌરાષ્ટ્રના પ્રવક્તા ડો.નિદત બારોટે જણાવ્યું હતું કે, રાજકોટના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારિયાએ રાજકોટને એઇમ્સ મળે તે માટે વડાપ્રધાનને રજૂઆત કરવી જોઇએ. અન્યથા કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રાજીનામું આપી દેવું જોઇએ. કેન્દ્રની સરકારે સૌરાષ્ટ્રના લોકો સાથે ઘોર અન્યાય કર્યો છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ એઇમ્સના મુદ્દે દિલ્હીમાં બેઠેલા ભાજપના નેતાઓનો કાન આમળવો જોઇએ.

http://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-aiims-upside-blow-to-the-saurashtra-region-for-central-government-5136228-NOR.html