પોલીસમાં ફિક્સ પગારથી ભરતી કરી સરકારે સુરક્ષા જોખમમાં મૂકી : વાઘેલા

પોલીસ ખાતામાં ફિક્સ પગારની નોકરી દેશમાં ગુજરાત સિવાય એક પણ રાજ્યમાં અમલમાં નથી. પોલીસખાતામાં ફિક્સ પગારવાળો સ્ટાફ મૂકીને ભાજપ સરકાર સુરક્ષાને જોખમમાં મુકી રહી હોવાનો વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આક્ષેપ કર્યો છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે પોલીસ વિભાગનું ફંક્શન એ સપ્રેશન હોય છે. તેમાં કોઈ માલિક હોતું નથી. આજની તારીખે પણ પોલીસમાં માસ્ટર ટુ સર્વન્ટ જેવા રિલેશન હોય છે. તેમાં ફિક્સ પગાર ન હોઈ શકે. ગુજરાત રાજ્યમાં પોલીસ ખાતામાં ૬૫ હજાર મંજૂર મહેકમ સામે પી.આઈ.થી લઈને કોન્સ્ટેબલ સંવર્ગની ૨૨ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. પી.આઈ.થી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધીના ૧૫ હજાર કર્મચારીઓ ફિક્સ પગાર વાળા છે.

વાઘેલાએ જણાવ્યું કે વધુ પડતા કામના ભારણના કારણે પોલીસ કર્મીઓમાં આક્રોશ અને અસંતોષ ઊભો થતો હોય છે અને તેનાથી ગુજરાતને બહુ મોટંુ નુકસાન સહન કરવું પડશે. ભૂતકાળમાં પોલીસ હડતાળ પર ગઈ હતી અને યુનિયનની માગણી કરી હતી જેને હાઈકોર્ટે પણ માન્યતા આપવાની તરફેણ કરી હતી. ફિક્સ પગારના કારણે વ્યાપેલા અસંતોષની માઠી અસર કાયદો અને વ્યવસ્થા પર પડે છે. આખું પોલીસ તંત્ર જ્વાળામુખીની ટોચ પર બેઠું હોય અને જ્વાળામુખી ક્યારે ફાટશે ને કોનો ભોગ લેશે તે આવનારો સમય કહેશે.

http://www.sandesh.com/article.aspx?newsid=3143165