સંઘ કરતાં વિપરીત કોંગ્રેસમાં તમામનો અવાજ સાંભળવામાં આવે છે : રાહુલ ગાંધી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે વૃંદાવનમાં બાંકે બિહારીનાં દર્શન કર્યા બાદ મથુરામાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં કાર્યકરોને સંબોધન કર્યું હતું. રાહુલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંઘ પર નિશાન સાધતાં જણાવ્યું કે કોંગ્રેસ આરએસએસ નથી, મોહન ભાગવત કહે કે આકાશ કાળા રંગનું છે તો સંઘમાં બધા માની લે છે તો શું આપણે પણ માની લેવાનું? પરંતુ કોંગ્રેસ સરકારને માર્ગદર્શન આપતાં સંઘ જેવી નથી. કોંગ્રેસમાં તમામનો અવાજ સાંભળવામાં આવે છે. કોંગ્રેસની વિચારધારા સંઘની વિચારધારાથી તદ્દન વિપરીત છે. આપણે ઉત્તર પ્રદેશમાં ભલે ચોથા સ્થાન પર હોઇએ પરંતુ વિચારધારામાં કોંગ્રેસ પહેલા સ્થાને છે, જો આપણે આપણી વિચારધારાને વળગી રહીશું તો નંબર વન પાર્ટી બનીશું.

ખેડૂતો મોદીને ગાળો ભાંડી રહ્યા છે : રાહુલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં રાહુલે જણાવ્યું કે ખોટાં વચનો આપીને મોદી પોતાની લોકપ્રિયતા ઘટાડી રહ્યા છે. મોદી આપણે બધાં એકઠાં થઇને ન પહોંચાડીએ તેટલું નુકસાન પોતાને કરી રહ્યા છે. સત્તા પર આવતાં પહેલાં મોદીએ ઘણાં વચનો આપ્યાં હતાં પરંતુ પાલન કરવામાં નિષ્ફળ ગયા છે. ખેડૂતો સહિત બધા તેમને ગાળો ભાંડી રહ્યાં છે.

કોંગ્રેસે એપલની જેમ કામ કરવું જોઈએ

ઉત્તર પ્રદેશમાં ગુમાવેલો જનાધાર પરત મેળવવા રાહુલ ગાંધીએ કોંગ્રસી કાર્યકર્તાઓને સંઘ જેવી કેડર વ્યવસ્થાનો ત્યાગ કરી સ્ટીવ જોબ્સની એપલ કંપનીની જેમ ટીમકલ્ચર અપનાવવા આહ્વાન કર્યું હતું.

http://www.sandesh.com/article.aspx?newsid=3136786