ખાદ્યતેલની આયાતમાં ૨૩ ટકાનો વધારો થતા ખેડૂતોની મુશ્કેલી વધશે

કોંગ્રેસના નેતા અહેમદ પટેલનો નાણામંત્રીને પત્ર

છેલ્લા ૧૦ મહિનામાં ખાદ્યતેલની આયાતમાં ૨૩ ટકાથી વધુનો વધારો થયો છે. ઓગસ્ટ મહિનામાં સોયાબીન તેલની આયાત વિક્રમજનક સપાટીએ પહોંચી હતી. આ અંગે કોંગ્રેસનાં નેતા અને સાંસદ અહેમદ પટેલે કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખ્યો છે.
ખેડૂતોનાં હિતમાં લખાયેલા આ પત્રમાં જણાવાયું છે કે ૧૯ લાખથી વધુ ખેડૂતો તેલબિયાનાં ઉત્પાદન પર નિર્ભર છે. આયાતમાં આવા ધરખમ વધારાથી દુષ્કાળનાં આ વર્ષમાં તેમની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જેને કારણે સોયાબીન જેવા તેલબિયાના ભાવમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. પરિણામે આપણા ખેડૂતોની આજીવીકા સામે પણ ખતરો ઉભો થયો છે. આયાતમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો હોવા છતાં સરકારે કાચા ખાદ્યતેલ ઉપરની આયાત ડયુટી ૭.૫ ટકા જાળવી રાખી હોવાની બાબત આંચકાજનક છે. અંતમાં એવી માગણી કરાઈ છે કે કાચા અને શુદ્ધ વનસ્પતિ તેલ ઉપરની ડયુટીમાં તુરંત વધારો કરવો અને ઉત્પાદન પ્રોત્સાહક માટેની નીતિ જાહેર કરવી જોઈએ.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-edible-oil-imports-by-23-percent