સામાજિક એકતા-કોમી એખલાસથી રાષ્ટ્રનું નિર્માણ થાય : અહેમદ પટેલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલે આજે અમદાવાદ ખાતેના એક શૈક્ષણિક સમારંભમાં જણાવ્યું હતું કે તમામ સમસ્યાનો ઉકેલ શિક્ષણમાં છે. અજ્ઞાાનતા, અશિક્ષણ અને માહિતીના અભાવે મુશ્કેલીઓ આવે છે. શિક્ષણ આ બધી જ બીમારીનો ઈલાજ છે. ભરૂચ જિલ્લા મુસ્લિમ પટેલ સહાયક મંડળના ર્વાિષક સમારોહ અને તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરતાં અહેમદ પટેલે જણાવ્યું હતું કે સમાજમાં તમામ યુવાન- યુવતીઓ વધુમાં વધુ અભ્યાસ કરે તે માટે સમાજ અને સંસ્થા તકો અને માર્ગદર્શન પૂરું પાડે. જે વિદ્યાર્થીઓએ પારિતોષિક મેળવ્યા છે તેમની માતાઓે ખાસ અભિનંદનને પાત્ર છે. બાળકોમાં સંસ્કારનું સિંચન અને અભ્યાસ માટે માતાઓ વિશેષ ધ્યાન રાખતી હોય છે. માતા-પિતા દ્વારા બાળક ઉપર કોઈ પણ વાત ઠોકી દેવાની જરૂર નથી. બાળકના રસ અને રુચિ મુજબ અભ્યાસ કરવાની તકો પૂરી પાડવી જોઈએ. સંસ્થા દ્વારા તૈયાર કરાયેલી વેબસાઈટનું લોન્ચિંગ કરતાં એહમદ પટેલે જણાવ્યું હતું કે વેબસાઈટના માધ્યમથી માત્ર કુટુંબોની માહિતી પુરતી જ સીમિત ન રહેવું જોઈએ. દરેક પરિવારની પૂરેપૂરી વિગતો મેળવી તેમના દાદા- પરદાદા સહિતની ફેમિલી ટ્રી- ધંધા- રોજગાર, શિક્ષણ, આરોગ્યની સ્થિતિ સહિતની બાબતો જોડવી જોઈએ. સમાજમાં સારું કામ કરતી સંસ્થાઓ સાથે પણ જોડાણ કરવું જોઈએ. વાડાબંધી કરવાની કોઈ જરૂર નથી.
http://www.sandesh.com/article.aspx?newsid=3133604