સાણંદ નજીક 333 હેક્ટર જમીનના માલિકોને હજીય વળતર બાકી: કોંગ્રેસ

વાયબ્રન્ટગુજરાત, મેક ઇન ઇન્ડિયાના નામે ગુજરાતના ખેડૂતો પાસેથી જમીન પડાવીને મળતિયા ઉદ્યોગપતિઓની આપી દીધા પછી પણ આજદિન સુધી હજુ વળતર ચૂકવાયું નથી. ખાસ કરીને સાણંદ પાસે જીઆઈડીસી દ્વારા સંપાદન કરાયેલી 25 ટકા જમીનના માલિકોને 20 મહિના પછી પણ વળતર ચૂકવાયું નથી તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે સાણંદ આસપાસના વિસ્તારોમાં જીઆઈડીસી દ્વારા 31 ડિસેમ્બર, 2013થી 1352 હેક્ટર જમીન સંપાદન કરાઈ હતી. પૈકી 1020 હેક્ટર જમીનના માલિકોને જૂના કાયદા હેઠળ સંમતિ એવોર્ડ દ્વારા વળતર ચૂકવાયું હતું. જોકે 333 હેક્ટર જમીનના માલિકોને આજદિન સુધી વળતર ચૂકવાયું નથી. ખેડૂતોનાં હિતની વાતો કરતી ભાજપ સરકાર હકીકતમાં નાના ખેડૂતોને ન્યાય આપતી નથી. નામદાર વડી અદાલતે 9 મે, 2015ના રોજ 37 ખેડૂતોની પિટિશનમાં ચુકાદો આપ્યો હતો કે જીઆઈડીસીએ 333 હેક્ટર જમીન ચાર માસમાં સંપાદનમાંથી મુકત કરી કલમ-48 હેઠળ નુકસાની આપવી. હાઈકોર્ટનો આદેશ છતાં જીઆઈડીસીએ વળતર આપ્યું નથી.

http://www.divyabhaskar.co.in/news/MGUJ-MAT-latest-sanand-news-054023-2643612-NOR.html