Gpsc ની પરીક્ષામાં મેરીટ આધારિત પ્રકિયા હાથ ધરો : મનિષ દોશી

ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ-૧,૨ ની પરીક્ષા આપનાર હજારો તેજસ્વી યુવાનોના ભવિષ્ય સાથે છેડછાડ ન થાય અને મેરીટ આધારિત પારદર્શક પ્રક્રિયા હાથ ધરાય તે માટે કોંગ્રેસ પક્ષનાં પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ માંગ કરી હતી કે, પરીક્ષા આપનાર તમામ યુવાનોની જવાબવહી વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવે. યુપીએસસી પેટર્ન મુજબ જીપીએસસીમાં પણ પ્રિલીમ પરીક્ષામાં પણ ૧૦ થી ૧૨ ગણા યુવાનોને પારદર્શક રીતે પસંદગીની તક આપવામાં આવે. સમગ્ર પ્રક્રિયા અંગે વિવિધ પરીક્ષાર્થી દ્વારા કરવામાં આવેલી અરજીઓ અંગે જીપીએસસીના સત્તાધીશો હકીકત લક્ષી તપાસ કરે જેથી જાહેર પરીક્ષા અંગે ઉભી થયેલી અવિશ્વાસની ભાવના ગુજરાતના યુવાનોમાંથી દુર થાય.

યુપીએસસીમાં અંગ્રેજી અને ગણિતના માર્ક્સ મેરીટમાં ગણાશે નહિ, ફક્ત ક્વોલીફાઈંગ માટે ગણાશે તેવું સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું છે તો પછી જીપીએસસી આ બાબતે કેમ વળગી રહી છે ? તે પણ તપાસનો વિષય છે. જીપીએસસીમાં ગ્રેસીંગ, ૨૭ માર્ક્સના ખોટા પ્રશ્નો અંગે જવાબદારી નક્કી કરીને જે તે અધિકારી સામે સ્પષ્ટ પગલાં ભરવામાં આવે.

જીપીએસસીની ૨૦૧૪માં આયોજીત વર્ગ-૧ અને ૨ ની પરીક્ષાના આવેલા પરિણામમાં વ્યાપક પ્રમાણમાં વિસંગતતાઓ અને હજારો મેરીટ ધરાવતાં યુવાનો અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે. જીપીએસસીના સત્તાધીશો ગુજરાતના યુવાનોની સાચી વાત સંભાળવા તૈયાર નથી તે ઘણી જ ગંભીર બાબત છે. ત્યારે રાજ્યના હજારો ઉચ્ચ કારકિર્દી ધરાવતા યુવાનોને જીપીએસસી દ્વારા સંભાળવામાં આવે અને ન્યાય આપે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભારત દેશમાં યોજાતી જાહેર પરીક્ષામાં કોઈ પણ સર્વિસ કમીશન અલગ અલગ ભાષામાં પેપર કાઢતું નથી. તો ગુજરાત જાહેર સેવા આયોગે ગુજરાતના હજારો યુવાનોને અન્યાય થાય તે રીતે સ્વચ્છંદી અને તઘલખી નિર્ણય કેમ કર્યો ? કોના લાભ માટે આ નિર્ણય કરવામાં આવ્યો ? જીપીએસસીની વર્ગ-૧,૨ ને પરીક્ષા છેલ્લા ૧૩ વર્ષમાં માત્ર બે વખત જ આયોજન થયું છે. લાખો યુવાનો પોતાની કારકિર્દી માટે વર્ષોથી રાહ જોતા હોય છે. ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષા અંગે અનેક શંકા ઉભી થાય છે. જેમ કે, જાહેર માહિતી અધિકાર હેઠળ કેમ માહિતી આપવામાં આવતી નથી ? એસ.સી., એસ.ટી., ઓબીસી અને જનરલ કેટેગરીના ઉમેદવારોનું કટ ઓફ જાહેર શા માટે ન કરાયું ? માત્ર સીટ નંબર શા માટે જાહેર કરાયા ? ક્યા ઉમેદવાર પાસ થયા છે તેના નામ શા માટે જાહેર ન થયા ? મહિલાઓનું ચારેય કેટેગરીમાં કટ ઓફ કેટલું રહ્યું તે શા માટે જાહેર ન કરાયું ? ગ્રેસીંગ આપવાનો નિર્ણય કોના લાભ માટે થયો ? ૪૦ માર્ક્સનું ગ્રેસીંગ કેવી રીતે આપવામાં આવ્યું તેની વિગતો શા માટે જાહેર ન કરાયું ? પરીક્ષામાં પુછાયેલા ૨૭ પ્રશ્નોના ખોટા જવાબ અને પાછળથી ૪૦ માર્ક્સનું ગ્રેસીંગ તેના માટે જીપીએસસી જ જવાબદાર છે. તો શું પગલાં ભરાશે ?

http://www.vishvagujarat.com/gpsc-exam-merit-base-process-would-be-adopted-manish-doshi/