સરહદી ગામોના પીડિતોને વધુ વળતર આપવા રાહુલની માગ
કોંગ્રેસઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે જમ્મુ-કાશ્મીરના પુંછ વિસ્તારમાં વાસ્તવિક અંકુશરેખા નજીક પાકિસ્તાન દ્વારા કરાતા મોર્ટારમારાના પીડિત ભારતીય નાગરિકોની મુલાકાતે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે કેન્દ્રસરકારે કોઇ પણ પ્રકારના વાંક-ગુના વિના સરહદપારથી થતા ગોળીબાર અને મોર્ટારમારાનો ભોગ બની રહેલા સરહદી વિસ્તારના નાગરિકોની પુનર્વસન,વળતર અને વીમાકવચ સહિતની માગણીઓ સ્વીકારી લેવી જોઇએ. જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે પહોંચેલા રાહુલ ગાંધી ૧૫મી ઓગસ્ટના રોજ બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરાયેલા યુદ્ધવિરામનાં ઉલ્લંઘનમાં માર્યા ગયેલા સરપંચ, શિક્ષક સહિતના છ ભારતીય નાગરિકોના પરિવારજનોને મળ્યા હતા.
રાહુલ ગાંધી, તેમની સાથે પહોંચેલા કોંગ્રેસનેતા અંબિકા સોની અને જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ પ્રદેશપ્રમુખ ગુલામ એહમદ મીર બાવન વર્ષીય સરપંચ કરામત હુસેનના પરિવારજનોને મળ્યા અને શક્ય તમામ સહાયનું વચન આપ્યું હતું. કરામત હુસેન પાકિસ્તાન દ્વારા કરાયેલાં ફાયરિંગમાં માર્યા ગયા હતા. પાકિસ્તાન દ્વારા વારંવાર થતા યુદ્ધવિરામના ઉલ્લંઘનનો ભોગ બનતાં ગ્રામીણો તેમની સંપત્તિઓ, ઢોરઢાંખર અને પાક માટે વીમાકવચ અને સુરક્ષિત વિસ્તારોની માગ કરી રહ્યાં છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અહીંનાં લોકો ઘણાં ચિંતિત અને ભયભીત છે. તેમની માગણી વ્યાજબી છે, મને લાગે છે કે ભારતસરકારે તેના પર ધ્યાન આપવું જોઇએ. ગ્રામીણોનો આરોપ છે કે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારના પરિવારને વધુ અને પાકિસ્તાની હુમલાઓમાં મૃત્યુ પામનારને ઓછું વળતર અપાય છે. આવો ભેદભાવ હોવો જોઇએ નહીં. વળતર એકસમાન હોવું જોઇએ. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હું પીડિતોનું દુઃખ જાણવા આવ્યો છું. મૃતકોના પરિવારોને વધુ વળતર આપવું જોઇએ.
http://www.sandesh.com/article.aspx?newsid=3116430