ભારતીય સ્વતંત્રતા દિવસ નિમિતે જીપીસીસ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમ
૬૯ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે સવારે ૯-૩૦ કલાકે ધ્વજવંદનને સલામી આપ્યા બાદ ઉપસ્થિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આઝાદીની લડતમાં મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરૂ સરદાર પટેલ સાહેબ સહિતના નેતૃત્વમાં અનેક નામી-અનામી મહાનુભાવોએ ભાગ લઈ મહામુલ્ય બલિદાન આપ્યું. જેના કારણે આપણે આજે આઝાદીના મીઠા ફળ ચાખી શકીએ છીએ. આઝાદી જંગના તમામ નામી-અનામી મહાનુભાવોને નત મસ્તકે વંદન કરીએ છીએ. આજે એવા લોકો મોટા પાયે ઈતિહાસમાં ફેરબદલ કરવા માંગે છે કે જેમનું આઝાદી અને આઝાદી બાદ દેશ ઘડતરમાં કોઈ યોગદાન નથી. સામાન્ય, મધ્યમવર્ગ સહીત દેશના શોષિત પીડિત છેવાડાના માનવીના કલ્યાણ માટે હજુ પણ સક્રિય ભૂમિકા ભજવવાની સાથે સતત યોગદાન આપવાનું છે. કોંગ્રેસ પક્ષના કાર્યકરોને ૬૯ માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, દેશ સામે અનેક પડકારો છે. કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોની સમજદારી માટે માન-સન્માન સાથે વિશ્વાસ છે. દેશમાં લોકતંત્રની મજબૂતી માટે કોંગ્રેસ પક્ષનું અહમ યોગદાન છે. દેશના લોકતંત્રની મજબૂતી માટે કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનોની વિશેષ જવાબદારી છે. આગામી સમયના પડકારો સામે કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ સંગઠિત રીતે લડત આપવાની છે. મહામુલ્ય આઝાદીના જતન માટે અને આપણા ગૌરવવંતા આઝાદીના ઈતિહાસને ઉજાગર કરવા માટે આપણે સૌ પ્રતિબદ્ધ બનીએ.