મંત્રીનિવાસ નજીક ચાલતી દારૂની ભઠ્ઠીઓ ઉપર કોંગ્રેસની જનતા રેડ
- દારૂ-જુગારના અડ્ડાઓ પર કોંગ્રેસ હવે જાહેરાત કર્યા સિવાય રેડ પાડશે
ગુજરાતમાં ઠેર-ઠેર ચાલતા દારૂના અડ્ડા અને દારૂની હેરાફેરીના દૂષણ સામે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા પિકેટિંગનો કાર્યક્રમ આપ્યો હતો. ગાંધીનગરમાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી નહિ હોવાના પોલીસના દાવા ઉપરોક્ત સફળ ઓપરેશન બાદ પોકળ સાબિત થયા છે. ગાંધીનગર મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી નિવાસસ્થાન પાછળ આવેલ સાબરમતી નદીના કોતરોમાં જનતા રેડ કરી ત્રણ દેશીદારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી. સ્થળ પરથી મહિલા કાર્યકરોને દારૂ ઉપરાંત દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ગોળ સહિતની ચીજવસ્તુઓ અને સાધનો મળી આવ્યા હતા. આ રેડથી સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ ગઇ હતી. રેડ પાડયા બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પંચનામું કર્યુ હતું.
પોલીસતંત્ર દ્વારા આ કાર્યક્રમના પગલે વ્યાપક બંદોબસ્ત ગોઠવી આજે દારૂ પર રોક લગાવી દીધી હતી. આમ છતાં કોંગ્રેસના કાર્યકરો અને મહિલા કોંગ્રેસ દ્વારા ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં પિકેટિંગ કરી દારૂનો જથ્થો પકડી પાડી પોલીસ અધિકારીને સ્થળ પર આવવા ફરજ પાડી હતી. મહિલા કોંગ્રેસ દ્વારા આજે મોટી સંખ્યામાં અમદાવાદ કલેક્ટર કચેરી સામે દેખાવો યોજી પ્લેકાર્ડ દ્વારા ગુજરાતની વરવી વાસ્તવિકતા રજૂ કરી હતી. ઉપરાંત કાયદો અને વ્યવસ્થામાં નિષ્ફળ રહેલા ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલના રાજીનામાની માગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
http://www.sandesh.com/article.aspx?newsid=3109784