ગુજરાત બાર કાઉન્સિલના હોદ્દેદારોની ચૂંટણીનો કોંગ્રેસના સભ્યો દ્વારા બહિષ્કાર
બાર કાઉન્સિલ વકીલોના ઉમદા વ્યવસાય માટેના નિયમનની બંધારણીય સંસ્થાના બદલે ૧૫ વર્ષથી ભાજપ લીગલ સેલનો હાથો બની ગયું છે
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા હોદ્દેદારોને ચૂંટવા માટે રવિવારે બપોરે મળેલી ચૂંટાયેલા ૨૫ સભ્યોની મીટીંગમાં બાર કાઉન્સિલને ભાજપનો રાજકીય અખાડો બનાવી દેવામાં આવી છે તેવા આરોપો સાથે કોંગ્રેસના સભ્યોએ બહિષ્કાર કર્યો છે. આ સભ્યોએ બાર કાઉન્સિલની કાર્યપ્રણાલી પર અનેક સવાલો ઉઠાવીને આરોપ લગાવ્યો છે કે ગુજરાત બાર કાઉન્સિલ વકીલોના ઉમદા વ્યવસાય માટેના નિયમનની બંધારણીય સંસ્થાના બદલે છેલ્લા ૧૫ વર્ષથી ભાજપ લીગલ સેલનો હાથો બની રહી છે અને બાર કાઉન્સિલના ગેર વહીવટ સામે અવાજ ઉઠાવવા ગુજરાત વકીલ અધિકાર મંચની સ્થાપના કરવાની જાહેરાત કરાઈ છે.
આજે બપોરે યોજાયેલી આ ચૂંટણીમાં મીનીટોમાં હોદ્દેદારોના નામો જાહેર થઈ ગયા હતાં જેમાં ચેરમેન તરીકે ગોપીનાથ અમીન અને વાઈસ ચેરમેન તરીકે અનીરુદ્ધસિંહ ઝાલાની વરણી કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમ્યાન બારની કામગીરીથી નારાજ એડવોકેટ કરણસિંહ વાઘેલા, પરેશ વાઘેલા, અફઝલખાન પઠાણ અને કિરીટ બારોટ વગેરેએ આ પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો જયારે અન્ય કેટલાંક વકીલોએ તેમના વિરોધના સુરમાં સહમતી વ્યક્ત કરી હતી.
બાર કાઉન્સિલની કાર્યવાહી અંગ બહિષ્કાર કરનારા લોકોએ પ્રશ્નો ઉભા કર્યા હતાં કે છેલ્લા ૧૫ વર્ષથી ભાજપની સત્તા રાજયમાં અને બારમાં છે તો વકીલોના વેલ્ફેર માટે કેટલું ફંડ આવ્યું ? બારની ઓફિસ કોમ્પયુટરાઈઝડ કરીને તમામ ડેટા વકીલોને મળી રહે તે યોજનાનો અમલ કેમ નથી થતો ? મૃત્યુ સહાયની વકીલોના પરિવારની અરજી શા માટે ફંડનું બહાનું બતાવીને રોકી રાખવામાં આવે છે અને જો ફંડના હોય તો નવા કર્મચારીઓની ભરતી શા માટે કરવામાં આવે છે ? ઈ લાઈબ્રેરીનો કોન્ટ્રાકટ અને સર્વિસનો હિસાબ વકીલોને શા માટે બતાવાતો નથી ? રાજસ્થાન, બિહાર, તામીલનાડુ અને કેરળમાં મૃત્યુ સહાયની રકમ ૧૦ લાખ અને મેડિકલ સહાયની રકમ ૩ લાખ ે આપવામાં આવે છે, તો ગુજરાતમાં કેમ નથી અપાતી ?
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-boycott-by-members-of-the-bar-council-of-gujarat