યુવાનો સાથે શાસકો અંગ્રેજી હકુમતવાળી કરવાને બદલે સંવાદ કરે
- પાટીદારોના વિકાસ માટે અનેક વિકલ્પ છે, રસ્તા છે : વાઘેલા
- આંદોલનમાં કોંગ્રેસ ક્યાંય નથી, માંડવિયા, હરિભાઈ કોણ છે
પાટીદારોને ઓબીસીમાં અનામત આપવુ જોઈએ, તેમની માંગણી કેટલી વ્યાજબી છે તેવા પત્રકારોના સવાલોથી દુર ભાગવાને બદલે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ કર્યુ હતુ કે ”ગુજરાત કે દિલ્હીમાં મારી, કોંગ્રેસની સરકાર નથી. આવશે ત્યારે વિચારીશું. અત્યારે જેની સરકાર છે તે પાટીદાર યુવાનો સાથે અંગ્રેજી હકુમતવાળી કરવાને બદલે સંવાદ કરે. આક્રોષને ઠારે તેવી વ્યવસ્થા સર્જે.”
ગુજરાતમાં છેલ્લા ૧૨-૧૫ વર્ષથી વન-વે કોમ્યુનિકેશન જ રહ્યુ છે આથી, ભાજપને સંવાદ, લોકશાહીમાં ઉઠતા અવાજની પડી નથી તેનુ પરિણામ સૌની નજર હોવાનું પણ તેમણે કહ્યુ હતુ. વાઘેલાએ એમ પણ કહ્યુ કે, મારી પાસે પાટીદારોના વિકાસ માટે અનેક વિકલ્પ છે. રસ્તા પણ છે. પણ અત્યારે જે સત્તામાં છે તેની જવાબદારી બને છે કે યુવાનોનો વલોપાત સમજે. વિચારે. પાટીદાર આંદોલન પાછળ કોંગ્રેસનું બ્રેઈન કામ કરી રહ્યુ હોવાના ભાજપના સાંસદો, મંત્રીઓ અને સોશ્યલ મિડિયા ટીમના પ્રચાર સામે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યુ છે કે, આમાં કોંગ્રેસ ક્યાંય નથી.
મનસુખ માંડવીયા, હરીભાઈ પટેલથી લઈને અનેક હોદ્દેદારો કોના છે ? હવે ગુજરાતને અન્યાયની રાડ પાડી શકાય તેમ નથી એટલે ભાજપવાળા પોતાની સામે ઉઠતા અવાજને કોંગ્રેસનો છે તેમ કહીને ગુજરાતીઓને ભોળવે છે. ભાજપના ગુજરાત મોડલના ગપ્પામાં માત્ર અને માત્ર ભાજપના નેતાઓનો જ વિકાસ થયો હોવાનું પણ કહ્યુ હતુ.
http://www.sandesh.com/article.aspx?newsid=3107690