મોદીના પૂતળા દહનમાં મહિલાઓ સાથે પોલીસની ઝપાઝપી

લોકસભામાં કોંગ્રેસના સાંસદોને બરતરફ કરવાના વિરોધમાં આજે અમદાવાદના રૂપાલી સર્કલ પાસે યુવક કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વિરોધ પ્રદર્શન કરી તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને રસ્તા રોકો અને ચક્કાજામના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. દેશની સંસદમાંથી કોંગ્રેસના સાંસદોને બરતરફ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આક્રોશ વ્યક્ત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
રૂપાલી સર્કલ પાસે કોંગ્રેસના આંદોલન દબાવી દેવા પોલીસ દ્વારા ભારે દબાણ કરવામાં આવ્યું હતું. જેમાં નરેન્દ્ર મોદીના પૂતળા દહનને અટકાવવા પોલીસ અને કાર્યકરો વચ્ચે દોડાદોડી થઈ ગઈ હતી. તેમ છતાં કોંગ્રેસ દ્વારા આ જ વિસ્તારમાં અલગ અલગ સ્થળે નરેન્દ્ર મોદીના એક નહીં, ત્રણ પૂતળાનું દહન કરી, કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પોલીસે કાર્યકરોને ખદેડવા માટે બળપ્રયોગ કરવાની કોશિષ કરી હતી. જેમાં મહિલા કાર્યકર સાથે પોલીસ અધિકારીએ બળપ્રયોગ કર્યો હતો. મહિલાનો હાથ પકડીને દૂર કરવાની કોશિષ કરતાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર વાતાવરણ સર્જાઇ ગયું હતું. આ આંદોલન સંદર્ભે પોલીસે 50થી વધુ કાર્યકરો-આગેવાનોની અટકાયત કરી હતી.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-1182759-NOR.html