પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાય પહોંચાડવામાં સરકાર નિષ્ફળ : કોંગ્રેસ

ભારે વરસાદના કારણે પુરમાં તારાજ થયેલ ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લાના રાધનપુર, સાંતલપુર સહિતના તાલુકાના ગામડાઓની મુલાકાત લેતા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતના અસરગ્રસ્તોને રૂબરૂ સાંભળ્યા હતા. સાત દિવસ કરતા વધુ સમય થયો છતાં અનેક ગામો સંપર્ક વિહોણા છે, રાજ્ય સરકાર તરફથી કોઈ મુલાકાત લેવામાં આવી નથી કે દુ:ખદર્દ સંભાળવામાં આવ્યા નથી. અનેક ગામોમાં વીજ પુરવઠો બંધ છે. પશુપાલકના વ્યવસાય સાથે સંકળાયેલા ઉત્તર ગુજરાતના પશુપાલકોને પુરમાં ભારે તારાજી વેઠવી પડી છે. સૌથી વધુ દૂધ ઉત્પાદક ઉત્તર ગુજરાતમાં ભારે પુરના કારણે હજારો પશુઓ મોતને ઘાટ ભેટ્યા છે. વહીવટીતંત્ર દ્વારા સમયસર જો મૃત પશુઓને ખસેડવામાં નહિ આવે તો મોટા પાયે રોગચાળો ફાટી નીકળશે.

રાધનપુર અને સાંતલપુરના અસરગ્રસ્તોએ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા સમક્ષ રાજ્ય સરકાર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. અનેક ગામોમાં મકાનો સંપૂર્ણ પણે પડી ગયા છે. અનેક મકાનો જરજરીત હાલતમાં છે અને ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી સ્થિતિ છે. ભારે પુરના કારણે બાળકો અને મહિલાઓની હાલત ઘણી જ નાજુક છે.

રાધનપુર ખાતે વેપારી મહામંડળ અને એપીએમસીના ધંધો રોજગાર કરતા અસરગ્રસ્તોએ કોંગ્રેસ પક્ષના આગેવાનો સમક્ષ ભારે પુરના કારણે થયેલી તારાજી અને ખાસ કરીને નાના મધ્યમવર્ગના વેપારીઓના ધંધા-રોજગારનો નાશ થયો હોવાની રજૂઆત કરી હતી. ઉત્તર ગુજરાતનું વિવિધ જિલ્લાઓમાંનું એક વેપારી કેન્દ્ર રાધનપુરમાં ભારે તારાજીના કારણે ધંધા-રોજગારને મોટું નુકસાન થયું છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા-પાટણ સહીતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને મદદ મળે તે હેતુથી કોંગ્રેસ પક્ષ દ્વારા રાહત સામગ્રી પહોચાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષનાં કાર્યકરો અને આગેવાનો દ્વારા રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. જેની મુલાકાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ લીધી હતી. અને અસરગ્રસ્તોના હાલ-ચાલ પૂછ્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા પાંચ-પાંચ કિલોના લોટના પેકેટ, ૨૦ ટન લોટ (બે ટ્રક), બે-બે કિલોના ચોખાના પેકેટ, કુલ દસ ટન, એક-એક કિલોના મગની દાળના પેકેટ કુલ પાંચ ટન અને એક ટેમ્પો બિસ્કીટનો સ્થાનિક આગેવાનો દ્વારા રવાના કરવામાં આવી હતી જેનું સ્થાનિક કક્ષાએ વિતરણ કરવાનું ચાલી રહ્યું છે.

http://www.vishvagujarat.com/gujarat-government-fail-to-provide-facility-to-people-in-flood-congress/