પાલિકા-પંચાયત કબજે કરો : કોંગ્રેસનો નવસર્જન નાદ
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતો કબજે કરવા માટે કોંગ્રેસ દ્વારા આગવી વ્યૂહરચના ગોઠવવામાં આવી છે. જે મુજબ કોંગ્રેસની સીનીયર આગેવાનોને હવે પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં ઉતારવામાં આવનાર છે. આ મામલે વડોદરામાં મળેલી કોંગ્રેસની પ્રદેશ કારોબારીમાં સંકેત આપતાં પ્રદેશ પ્રમુખ ભરતસિહ સોલંકીએ જણાવ્યુ હતુ કે, સંસદ અને વિધાનસભાની ચૂંટણી લડવી હોય તો પાલિકા અને પંચાયતની ચૂંટણી લડવી પડશે.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ એહમદ પટેલે વડોદરામાં મળી રહેલી કારોબારીના પગલે વડોદરા અને કોંગ્રેસના જૂના નાતાની યાદ તાજી કરાવતાં જણાવ્યું હતુ, બ્રિટીશરોના શાસનમાં જેમ જ્યોર્જ છઠ્ઠાના સ્વાગતમાં સર સયાજીરાવે તેમનુ શીર ઝુકાવ્યું ન હતુ તેમ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના આગમન ટાણે કોંગ્રેસીઓએ શીર ઝૂકાવ્યું નથી. આજે પણ અમે એજ ખમીર સાથે આગળ વધીએ છીએ કોંગ્રેસી બલીદાન આપી દેશે પરંતુ શીર નહી ઝૂંકાવે.
તેમણે ઉમેર્યુ હતુ કે, વડાપ્રધાન તરીકે સત્તા પર આવ્યાને ૪૨૦ દિવસ થયા પછી પણ નરેન્દ્ર મોદી જે કાંઇ નક્કર કામગીરી કરી શક્યા નથી. માત્ર પ્રચાર અને પ્રસારમાં તથા ઇવેન્ટમાં જ વ્યસ્ત રહ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવાના જ પ્રયાસ કર્યા છે, છેતરપિંડી કરી છે, લોકો પણ હવે તેમને ઓળખી ગયા છે ત્યારે હવે કોંગ્રેસે તક ઝડપી લેવી પડશે. દેશ અને પ્રદેશ બચાવવા માટે આ તક નહિં ઝડપીએ તો લોકો ઠીક પણ ઇતિહાસ પણ માફ નહીં કરે.
http://navgujaratsamay.indiatimes.com/gujarat/central-gujarat/Congress-aims-to-achieve-palika-panchayat/articleshow/48220164.cms