ગુજરાતમાં ૩૯ ટકા બાળકો કુપોશીત, આજ છે મોદીનું હેલ્થકેર મેનેજમેન્ટ ? : રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. ૬ ડિસેમ્બર 2017, બુધવાર

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેઓએ ટ્વિટર પર રોજ સવાલો પૂછવાનું શરૃ કર્યું છે. તેઓએ આ વખતના પોતાના સવાલમાં ગુજરાતમાં કુપોષીત બાળકો તેમજ નવજાત બાળકોના મૃત્યુનો મુદ્દે ઉઠાવ્યો હતો.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ૩૯ ટકા બાળકો કુપોષણથી પીડાઇ રહ્યા છે. જ્યારે દર ૧૦૦૦ નવજાત બાળકોમાંથી ૩૩ બાળકો મોતને ભેટે છે. ગુજરાતમાં મોટા પાયે ડોક્ટર્સની અછત છે. જ્યારે બીજી તરફ સારવારનો ખર્ચ અતીશય છે. ભુજમાં એક સરકારી હોસ્પિટલને મોદીએ પોતાના મિત્ર અદાણીને ૯૯ વર્ષ માટે સોપી દીધી છે. શું આ જ મોદીજી તમારુ હેલ્થકેર મેનેજમેન્ટ છે?

રાહુલે સવાલ કરતા કહ્યું હતું કે ૨૨ વર્ષનો હિસાબ, ગુજરાત માંગે જવાબ. આ પહેલા રાહુલે બેરોજગારી, મજુરોને મળતુ ઓછુ વેતન, મહિલા સુરક્ષા, શિક્ષણ અને સ્વાસ્થ્ય વગેરે મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત મોંઘવારીનો મુદ્દો પણ તેઓએ ઉઠાવ્યો હતો. જેને લઇને વિવાદ પણ થયો હતો. હવે રાહુલ ગાંધીએ ગુજરાતમાં કુપોષણ અને નવજાત બાળકોના મોતનો મામલો ઉઠાવ્યો છે. આ ઉપરાંત ભુજની હોસ્પિટલનો મામલો પણ ઉઠાવ્યો હતો.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/39-percent-of-children-in-gujarat-are-malnourished-today-modi-s-healthcare-management-rahul