24 જિલ્લા, 134 તાલુકામાં બહુમતી:116 વિધાનસભા, 17 લોકસભા ક્ષેત્રમાં જીત

6 મહાનગરપાલિકાઓમાં તેમજ 42 નગરપાલિકાઓમાં વિજય મેળવ્યા બાદ ભાજપ જે રીતે આ વિજયનો પ્રચાર કરી રહ્યો છે તેને લઈને કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે ‘ભાજપ ભૂંડે હાલ હારી છે છતાં જાણે કે ગુજરાત સર કર્યું હોય તેવો દેખાવ કરીને જનતાને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. 6 મહાનગરોમાં પણ ભાજપનો જનાધાર ખૂબજ ઘટી ગયો છે જ્યારે કોંગ્રેસનો જનાધાર 11 ટકાથી પણ વધી ગયો છે.
કોંગ્રેસે 107 વિધાનસભા અને 17 લોકસભા વિસ્તારોમાં જનસમર્થન મેળવીને ભવ્ય જીત હાંસલ કરી છે. 24 જીલ્લા પંચાયતો અને 134 તાલુકા પંચાયતોમાં સ્પષ્ટ બહૂમતી સાથે કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં લોકોનો વિશ્વાસ સંપાદિત કર્યો છે. આ પહેલાની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શહેરોમાં મતનો તફાવત 18 ટકા જેટલો રહેતો હતો જે હવે ઘટીને 7 ટકા જેટલો રહ્યો છે. જે દર્શાવે છે કે મતદારોનો કોંગ્રેસ તરફનો ઝૂકાવ વધ્યો છે અને ભાજપ તરફ ઘટ્યો છે.’
સિદ્ધાર્થ પટેલ ગત 2010ની 6 મહાનગરોની ચુંટણી અને 2015ની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસને મળેલા મતોના તફાવતના આંકડાઓ આપતા જણાવ્યું કે ‘‘મહાનગરપાલિકાઓમાં મેળવેલા વિજયથી ભાજપ આબરુ બચાવવાનો ખોટો દાવો કરે છે. 2010માં અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના મતોનો તફાવત 21 ટકા હતો જે 2015માં ઘટીને 9 ટકાથી પણ નીચે ગયો છે.
સુરતમાં 2010માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો મતોનો તફાવત 18.50 ટકા હતો જે 2015માં ઘટીને 12.66 ટકા જેટલો રહ્યો છે. વડોદરામાં 2010માં બન્ને પાર્ટીઓ વચ્ચેનો મતોનો તફાવત 18 ટકા જેટલો હતો જે 2015માં ઘટીને 13 ટકા જેટલો થયો છે. રાજકોટમાં ગઈ ચુંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતા 16.5 ટકા મતો વધારે મળ્યા હતા જ્યારે 2015ની ચુંટણીમાં ફક્ત 0.69 ટકા મતો જ વધારે મળ્યા છે.

http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-congress-base-increase-11-percent-in-mahanagar-palica-in-rural-election-5187150-PHO.html