12 જિલ્લામાં વિપક્ષ પદ મુદ્દે કોંગ્રેસ ભાજપને ન્યાય કરશે
• જિલ્લા-તા. પંચાયતમાં ભાજપ બિનલોકશાહી ઢબે સત્તા લેવા બેબાકળું થયું છે : ભરતસિંહ સોલંકી
— સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો ભવ્ય વિજય અને ભાજપને હાર મળી છે ત્યારે જનાદેશને સ્વીકારવાને બદલે ભાજપ વિવિધ હથકંડા અપનાવીને નૈતિકતા નેવે મૂકીને કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યોને તોડવા માટેના પ્રયત્નો કરી રહી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, ‘જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપ બિનલોકશાહી ઢબે સત્તા મેળવવા માટે બેબાકળું બન્યું છે. ભૂતકાળમાં પણ બનાસકાંઠા, ગાંધીનગર અને ખેડા જેવા વિસ્તારોમાં ભાજપે આવી રીત અપનાવી હતી. પરંતુ કોંગ્રેસના કાર્યકરો નિષ્ઠાપૂર્વક પક્ષને વળગી રહેશે.’
રાજ્યના ૩૧ જિલ્લા પૈકી ૨૪ જિલ્લામાં કોંગ્રેસ જીતી છે. જેમાં ૧૨ જિલ્લામાં ભાજપ વિપક્ષ તરીકેની ભૂમિકામાં પણ આવે તેમ નથી. ભરતસિંહે કહ્યું હતું કે,‘કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે લોકશાહીમાં વિશ્વાસ કરે છે. તેથી ભાજપને નિયમ પ્રમાણે યોગ્ય ન્યાય અપાશે. જો કે, ભાજપના અહંકાર અને જડત્વના લીધે લોકશાહીને નુકસાન થયું છે.’ ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ભાજપે વિપક્ષને સ્થાન પણ આપ્યું નહોતું, પરંતુ કોંગ્રેસ ભાજપને વિપક્ષની તક તો ચોક્કસ આપશે! આમ આદમી પાર્ટીએ પણ વિધાનસભાની ચૂંટણી માટે મોરચો ખોલી દીધો છે અને કોંગ્રેસને ચૂંટણીમાં મજબૂરીના મત મળ્યાના આક્ષેપ કર્યા છે. આ વિશે ભરતસિંહે કહ્યું હતું કે,‘ગુજરાતના રાજકારણમાં ‘આપ’ને મહત્ત્વ આપવાની બાબત જ અસ્થાને છે. ગુજરાતમાં કોંગ્રેસને જે બહુમત મળ્યો છે તે તેના મજબૂત સંગઠન અને જનઆશીર્વાદથી મળ્યો છે.’
જિલ્લા-તાલુકા પંચાયતની રચના બાદ રાહુલ ગાંધી આવી શકે
નવમી ડિસેમ્બરે રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીની વર્ષગાંઠે તેમને અભિનંદન પાઠવવા ભરતસિંહ સોલંકી દિલ્હી જવાના છે. ત્યારે તેઓ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પણ મળશે. રાજ્યમાં જિલ્લા, ચાલુકા પંચાયતની રચના થયા બાદ જ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લેશે.
http://epaper.navgujaratsamay.com/details/12179-27346-2.html