૯૧-તલાલા વિધાનસભાની પેટા ચૂંટણી- જાહેર સભા

૯૧-તલાલા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ભગવાનજીભાઈ બારડના ચૂંટણી પ્રચારમાં જાહેર સભાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે દેશમાં ૨૦ કરોડ લોકોને રોજગારી આપવાનું વચન આપનાર ભાજપ શાસકોના છેલ્લા ૨૦ વર્ષના શાસનમાં ગુજરાતમાં બેરોજગારીની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજના ભાજપના શાસકો સાદગીને ઠેકાણે પાડીને બેફામ ખર્ચા કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યાં છે. છેવાડાના ગુજરાતીની કલ્યાણની ભાવના ભાજપ શાસકોએ અભરાઈ ચડાવી દીધી છે. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. – કે.જી.બેસીનનો રૂા. ૨૦,૦૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કેગે ઉજાગર કર્યો છે. તે અંગે ભાજપ મૌન છે અને ભ્રષ્ટાચાર છુપાવવા માટે બીજો ભ્રષ્ટાચાર કરી રહ્યું છે. પોતાના વ્હાલા-દવલાઓને ફાયદો કરાવવા પ્રજા ઈકો સેન્સેટીવ ઝોન ના નામે ભાજપ સરકાર અવરોધો ઉભા કરી રહી છે.  રાજ્યમાં પીવાના પાણીની અસહ્ય તંગી છે. ૮ હજાર ગામોમાં પાણીની વિકટ પરિસ્થિતિ હોવા છતાં ભાજપ શાસકો ઉત્સવો અને તાયફાઓમાં વ્યસ્ત છે. ભાજપના ભ્રષ્ટાચારી શાસનથી સમાજના તમામ વર્ગના લોકો ત્રાહીમામ છે