૧૫ ઓગસ્ટે ગુજરાતનાં તમામ ગામોમાં કોંગ્રેસ દ્વારા ધ્વજવંદન

ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણી જીતવા પોતાની દિશા બદલી છે. ગુરુર્પૂિણમાના દિવસે ગુજરાતભરમાં ગુરુવંદના કર્યા બાદ હવે રાષ્ટ્રીય પર્વ ૧૫ ઓગસ્ટની ઉજવણી ગુજરાતના તમામ ગામોમાં કરવાની પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જિલ્લાના આગેવાનોને સૂચના આપી છે.

આજે મળેલી પ્રદેશ બેઠકમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાતનું એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં કોંંગ્રેસના પાંચ કાર્યકરો વસતા ન હોય. તા. ૧૫ ઓગસ્ટના રોજ માત્ર પ્રદેશ કાર્યાલય કે જિલ્લા કાર્યાલયમાં ધ્વજવંદન કરવાના બદલે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં કોંગ્રેસ એક પણ ગામ બાકી ન રાખે. પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ધ્વજવંદન કરાવશે. જ્યારે પ્રદેશના અન્યના તમામ હોદ્દેદારો, ધારાસભ્યો વગેરેને જિલ્લા, તાલુકા મથકોએ મોકલવામાં આવશે અને જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો તાલુકાઓ અને ગામડાંઓમાં જશે. ઉપરાંત જ્યાં હોદ્દેદારો જવાના ન હોય તેવા ગામમાં સ્થાનિક પાંચ કાર્યકરો જાહેર સ્થળે માત્ર એક લાકડીમાં ધ્વજ પરોવીને પણ ધ્વજવંદન કરશે.

કોંગ્રેસના એક હોદ્દેદારે જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદ એ કોંગ્રેસનો પાયો છે. મહાત્મા ગાંધીજીએ ધ્વજ દ્વારા લોકોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરી હતી. ૧૫ ઓગસ્ટના રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા ગામેગામ પ્રજામાં રાષ્ટ્રભાવનાનું સિંચન કરવા ધ્વજવંદનનોે કાર્યક્રમ કરશે.

 

http://www.sandesh.com/article.aspx?newsid=3108085