હું ઇન્દિરા ગાંધીની પુત્રવધૂ, કોઇથી ડરતી નથી : સોનિયા ગાંધી
નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હીની ટ્રાયલ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને એક દિવસ માટે અદાલતમાં હાજર રહેવામાંથી મુક્તિ આપતાં વધુ સુનાવણી માટે ૧૯મી ડિસેમ્બરે અદાલત સમક્ષ હાજર થવા આદેશ આપ્યો છે. સોમવારે દિલ્હી હાઇકોર્ટે સોનિયા અને રાહુલની પિટિશન ફગાવી મંગળવારે ટ્રાયલ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. કોંગ્રેસના નેતાઓ વતી હાજર થયેલ સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીની અરજ સ્વીકારીને અદાલતે સોનિયા અને રાહુલ ગાંધી સહિત કેસના અન્ય આરોપીઓ એવા કોંગ્રેસના ખજાનચી મોતીલાલ વોરા, વરિષ્ઠ નેતા ઓસ્કાર ફર્નાન્ડીઝ, સામ પિત્રોડા અને સુમન દુબેને ૧૯મી ડિસેમ્બરે હાજર થવા આદેશ કર્યો હતો.
દિલ્હી હાઇકોર્ટે આપેલા નિર્દેશના પડઘા મંગળવારે દિલ્હીના રાજકીય ગલિયારામાં જોવા મળ્યાં હતાં. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પડકાર ફેંકતાં જણાવ્યું હતું કે હું ઇન્દિરા ગાંધીની પુત્રવધૂ છું. હું કોઇથી ડરતી નથી. શા માટે મારે કોઇથી ભય પામવો જોઇએ? શું આ રાજકીય દ્વેષથી પગલું લેવાયું છે તેવા સવાલના જવાબમાં સોનિયાએ જણાવ્યું હતું કે તે નક્કી કરવાનું કામ હું તમારા પર છોડું છું. જવાબમાં ભાજપના રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, કોર્ટ એ નથી જોતી કે કોણ કોની પુત્રવધૂ કે જમાઇ છે. નેશનલ હેરાલ્ડ કેસનો ગાળિયો કસાતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ છંછેડાયાં હતાં. પૂરગ્રસ્ત પોંડિચેરીની મુલાકાતે પહોંચેલા રાહુલે જણાવ્યું હતું કે આ કેસમાં ચાલી રહેલો ઘટનાક્રમ રાજકીય દ્વેષ છે. હું રાજકીય વેરભાવનાને સ્પષ્ટપણે જોઇ શકું છું. કેન્દ્ર સરકાર આ રીતે જ કામ કરી રહી છે. સરકાર એમ માને છે કે દ્વેષના રાજકારણથી મને સવાલો પૂછતાં અટકાવી શકાશે પરંતુ આવી રીતે મને સવાલો પૂછતાં અટકાવી શકાશે નહીં.
http://www.sandesh.com/article.aspx?newsid=3195364