હક્કની લડાઇ માટે કાયદાનો પણ ભંગ કરીશ, સરકારે લોકોનું અપમાન કર્યું છે : ધાનાણી

– આટલી નિર્દયી સરકાર કયારેય નથી જોય : 300 કરોડમાં અમરેલીના ભાગે શું આવશે ? : સરકારે લોકોનું અપમાન કર્યું છે
– ધારાસભ્યને તંત્રએ ઉપવાસની મંજુરી ન આપવા છતાં આંદોલન ચાલુ રાખ્યું
વહીવટીતંત્ર દ્વારા અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીને વધુ ત્રણ દિવસ માટે ઉપવાસી છાવણી ચલાવવાની મંજુરી આપવામાં આવી ન હોવા છતાં આજે અમરેલીમાં કોંગ્રેસ દ્વારા ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવ્યુ હતું. પરેશભાઇ ધાનાણીએ જણાવ્યુ હતું કે હક્કની લડત ચાલુ રાખવા માટે સવિનય કાનુન ભંગ કરવો પડે તો તે પણ કરીશું. અત્યાર સુધી હું બોલ્યો હતો પરંતુ નગણ્ય પેકેજ જાહેર કરીને સરકારે લોકોનું અપમાન કર્યુ છે. હવે લોકો બોલશે.
રાજ્ય સરકાર દ્વારા અમરેલી જીલ્લાના પુર પીડીતો માટે પેકેજ જાહેર કરી દેવાયુ છે. પરંતુ આ પેકેજને લઇને ભારે અસંતોષ પણ ઉભો થયો છે. ત્યારે અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીએ પોતાના ઉપવાસ વધુ ત્રણ દિવસ લંબાવ્યા છે. જો કે વહીવટીતંત્રએ ઇદનો તહેવાર આવતો હોય અને ધાનાણીની તબીયત લથડતી હોય લોકો ઉશ્કેરાઇ અને કાયદો વ્યવસ્થાની સ્થિતી બગડે તેવા કારણો આપી વધુ ત્રણ દિવસ અહિં છાવણી ચલાવવાની મંજુરી આપવા ઇનકાર કર્યો હતો.
ત્યારે આજે પરેશ ધાનાણીએ જણાવ્યુ હતું કે સીવીનય કાનૂન ભંગ કરીને પણ ઉપવાસ ચાલુ રહેશે. કારણ કે આ તો હક્કની લડાઇ છે. ગાંધીનગરની સરકાર આંગળી અને બહેરી છે. અમરેલી જીલ્લામાં કેટલુ નુકશાન થયુ તેનો ગાંધીનગરમાં બેઠેલા સતાધિશોને સાચો અંદાજ જ નથી. આજે હુ લડત ચલાવી રહ્યો છુ પરંતુ ભાજપના આગેવાનો પણ સમજે છે કે જનતાને મોઢુ બતાવવા જેવું રહ્યુ નથી. આવનારા દિવસોમાં ભાજપના આગેવાનોએ પણ આ મુદે લડત ચલાવવી પડશે. અત્યાર સુધી હું બોલતો હતો પણ હવે લોકો બોલશે.

http://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-rights-law-to-combat-breaknever-seen-such-a-ruthless-government-say-dhanani-5054052-PHO.html?OF18