સુરેન્દ્રનગર-અંબાજીમાં CM સામે દેખાવો

સુરેન્દ્રનગર અને અંબાજીમાં મુખ્યમંત્રી આનંદીબહેનના યોજાયેલા કાર્યક્રમો દરમિયાન વિરોધી દેખાવો થયા હતા. સુરેન્દ્રનગરમાં પાણી પુરવઠા સુધારણા યોજનાનું ખાતમુહુર્ત કરવા માટે આનંદીબહેન પહોંચ્યાં તે પહેલા જ કાળા વાવટા ફરકાવી વિરોધ દર્શાવનારા વઢવાણ કોંગ્રેસના ર૦ જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી. મુખ્યમંત્રીએ પાણી પુરવઠા સુધારણા યોજનાનું ખાતમુહુર્ત કરતા શહેરની આગામી ર૦ વર્ષની વસ્તીને ધ્યાને લઇ છેવાડાના તમામ વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટમાં રૂ. પ૩.૧૦ કરોડનો ખર્ચ થશે. ૩૧૮ કિ.મી.ની એચ.ડી.પી.ઇ. અને ૪૩ કિ.મી. લંબાઇની ડી.આઇ.કે-૭ પાઇપ લાઇનનું નેટવર્ક ઉભુ થયા બાદ શહેરીજનોની ‘પીવા’ના પાણીની કાયમી સમસ્યાનો અંત આવશે.
જ્યારે અંબાજી ખાતે વિવિધ લોકાર્પણ અને ખાતમૂહુર્ત વખતે મુખ્યમંત્રીએ પ્રવચન શરૂ કર્યું ત્યારે આગળની હરોળમાં બેઠેલી વાલ્મિકી સમાજની કેટલીક મહિલાઓ બેનર લઈને એકાએક ઊભી થઈ ગઈ હતી. તેમના બેનરમાં ‘બહેનના રાજમાં બહેનોનું શોષણ?’ લખેલું હતું. પોલીસ કર્મચારીઓએ તત્કાળ ધસી આવીને આ મહિલાઓને તેઓ બરાબર ઊભી થાય થઈને સૂત્રો પોકારવા જતી તે પહેલાં જ પકડી લીધી હતી અને બેનરને ખૂંચવી લીધું હતું.

http://navgujaratsamay.indiatimes.com/gujarat/north-gujarat/CM-oposed-with-black-flags-in-surendranagar-ambaji/articleshow/48104871.cms