સુપ્રિમ કોર્ટના આદેશથી મેડીકલ અને ડેન્ટલમાં “નીટ” દ્વારા જ ફરજીયાત પ્રવેશ : 29-04-2016
ગુજરાતના ૫૦ હજાર વિદ્યાર્થીઓ માટે કઈ રીતે, કેવી રીતે, કયા આધારે ધોરણ-૧૨ પછી મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે તે અંગે ભાજપ સરકાર ગંભીરતા દાખવે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મેડીકલ – ડેન્ટલ અને પેરામેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ‘ગુજકેટ’ તા. ૧૦મી, મે ના રોજ યોજાવાની છે ત્યારે સુપ્રિમ કોર્ટના આદેશથી મેડીકલ અને ડેન્ટલમાં “નીટ” દ્વારા જ ફરજીયાત પ્રવેશ આપવાના આદેશથી ગુજરાતના ૫૦ હજાર કરતાં વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. ધોરણ-૧૨ પછી પ્રવેશ માટે ‘ગુજકેટ’ ના અભ્યાસક્રમ અને ‘નીટ’ ના અભ્યાસક્રમ વચ્ચે ઘણું અંતર છે. પ્રવેશ પ્રક્રિયા માટે અત્યાર સુધી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ૪ સેમેસ્ટરના માર્કસ ગણતરીમાં લેવામાં આવે છે જ્યારે ‘નીટ’ દ્વારા પ્રવેશ પ્રક્રિયાથી આ બાબતનો છેદ ઉડી જશે. ગુજરાતના વિદ્યાર્થીઓ છેલ્લા બે વર્ષથી ધોરણ-૧૨ પછી ઉચ્ચ અભ્યાસ-કારકિર્દી માટે ચિંતીત હોય, લાખો રૂપિયા ટ્યુશન અને શાળા ફી નો ખર્ચ કર્યો ત્યારે માત્ર બે દિવસ બાકી હોય ત્યારે સુપ્રિમ કોર્ટના ચુકાદા આધારે ‘નીટ-૧’ યોજાવાની હોય, એ કેટલે અંશે વ્યાજબી? ગમેતેટલો હોશિંયાર વિદ્યાર્થી પણ આવી પરિસ્થિતિમાં પોતાની પૂર્ણ ક્ષમતાથી માર્કસ મેળવી ન શકે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો