સીમાંકનનો ઉગ્ર વિરોધ કરીને કોંગ્રેસે ચૂંટણી પંચની મીટિંગનો બહિષ્કાર કર્યો

શાસક પક્ષને ફાયદો થાય તેવા સીમાંકનને રદ કરી

વાસ્તવિક સીમાંકન કરવાની માગણી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સંભવતઃ આગામી ઓક્ટોબર મહિનામાં યોજાવાની છે તે પૂર્વે વડોદરામાં તમામ ચૂંટણી વોર્ડોનું જે સીમાંકન કરવામાં આવ્યું છે તે કાયદાની ઉપરવટ જઇ, તમામ ગાઇડલાઇન્સનો ભંગ કરીને ફક્ત શાસક પાર્ટીને ફાયદો કરવાના આશયથી કરવામાં આવેલું હોવાથી તે રદ કરીને તમામ લોકોને સરખી ભાગીદારી મળી રહે તેને ધ્યાનમાં રાખીને વાસ્તવિક સીમાંકન કરવું જોઇએ તેવી રજૂઆત વડોદરા શહેર કોંગ્રેસે કર્યો હતો. સીમાંકનની પ્રક્રિયાનો કોંગ્રેસે વિરોધ કરીને ચૂંટણી પંચે બોલાવેલી મીટિંગનો બહિષ્કાર કર્યો હતો.
ગુજરાત ચુંટણી આયોગના ચુંટણી કમિશનર વડોદરા કોર્પોરશનની ચુંટણી માટે ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે થયેલા નવા સીમાંકન અને અનામત બેઠકની ફાળવણી માટે રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરવા વડોદરા આવ્યા હતા.
વડોદરા શહેર કોંગ્રેસના આગેવાનો ચુંટણી કમિશનર સાથે પરામર્શ કરવા જતા પહેલા કલેકટર કચેરીની બહાર ઉભા રહીને દેખાવો કર્યા હતા અને માગણી કરી હતી કે રાજ્ય ચુંટણી આયોગ સ્વતંત્ર હોવું જોઇએ. નાયબ ચુંટણી કમિશનરે કહેલું કે જે સીમાંકન થઇ ગયેલું છે તે વસ્તી ગણતરીને આધારે ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રાલયે કરેલું છે. પ્રતિ વોર્ડ આશરે ૮૭,૦૦૦ની વસ્તીને આધારે સીમાંકન કરેલું છે. વસ્તી ગણતરીને આધારે અનામત બેઠકની ફાળવણી પણ ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રાલયે કરેલી છે. જો કે કોંગ્રેસે રજૂઆત કરી હતી કે સીમાંકન માત્ર કેટલીક જાતિ, કોમ, વર્ગની વસ્તીને સીમાંકનમાં ટુકડા પાડીને વહેંચી દેવાના બદઇરાદે કહ્યું છે. તેવો આક્ષેપ કર્યો હતો.
પ્રત્યેક વોર્ડ ૮૭૦૦૦ની વસ્તીનો હોવાના ક્રાઇટેરિયા નો ભંગ થયેલો છે. જેથી આ વોર્ડ નં.૩નું સીમાંકન આ ક્રાઇટેરિયા માંથી બહાર નિકળી જાય છે. આ વોર્ડની વસ્તી અન્ય વોર્ડમાં જઇને વસતા તે વોર્ડની વસ્તી વધીજાય તો તેનો પણ ભંગ થાય છે. જેથી આ સીમાંકન રદ કરવું પડે. સીમાંકન બાદ કોર્પોરેશને મોટી વસ્તીને ડિમોલીશ કરીને ચૂંટણીતંત્રની કાર્યવાહીમાં વિક્ષેપ પાડયો છે. તેવો પણ આક્ષેપ કર્યો હતો. વડોદરા કોર્પોરેશનના વિપક્ષ નેતાએ આક્ષેપ કરેલો કે સીમાંકન કરવામાં વસ્તી ગણતરીના બ્લોક પણ તોડેલા છે. મુખ્ય રોડની હદ લાઇન, નદી, રેલવે થી વિભાજીત કરવા ના નિયમનો પણ ભંગ કરેલો છે. કોંગ્રેસના પ્રમુખે પણ વિરોધ કર્યો હતો. અને જણાવ્યું હતું કે ચૂંટણીમાં ભાજપા દેખાતી હારથી ગભરાઇ ગયેલું છે. અને સીમાંકનમાં ફીક્ષિગ કરીને હાર રોકવાનો પ્રયત્ન કર્યો છે. એમ કહી મીટીંગનો બોયકોટ કરી રાજય ચૂંટણી કમિશનરને આવેદનપત્ર આપીને ધારાસભા હોલનો ત્યાગ કર્યો હતો.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/marching-baroda-gujarat-congress-election-boycott