સાંસદોના સસ્પેન્શન મુદ્દે બીજા દિવસે પણ કોંગ્રેસનું પ્રદર્શન

લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને પોતાના ૨૫ સાંસદોને ગૃહમાંથી પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરતાં કોંગ્રેસે તેનું વિરોધ પ્રદર્શન આજે પણ જારી રાખ્યું હતું. કોંગ્રેસે આજે મહાજન સામે પૂર્વગ્રહપ્રેરિત કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો હતો અને સંસદની લડાઈ સડક પર લડવાની જાહેરાત કરી હતી. આજે પણ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ તેમજ અન્ય છ વિપક્ષી નેતાઓની હાજરીમાં સંસદના પરિસરમાં કોંગ્રેસે ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. ઉપરાંત, કોંગ્રેસની યુવા પાંખના કાર્યકરો બુધવારે સ્પીકરના સત્તાવાર નિવાસ સ્થાને મોરચો લઈ ગયા હતા પણ પોલીસે તેમની અટકાયત કરી હતી. જેડી-યુના શરદ યાદવ અને કે સી ત્યાગી, સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ, આરજેડીના જ. પ્રકાશ નારાયણ યાદવ, સીપીઆઈ-એમના ડી રાજા, આઈયુએમએલના ઈ અહેમદ સહિતના વિપક્ષી નેતાઓએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા અને સાંસદોના સસ્પેન્શનનો વિરોધ કર્યો હતો. સુષ્મા સ્વરાજ રાજીનામું આપે, અચ્છે દિન કહાં હૈ? મોદી તાનાશાહી બંધ કરે જેવાં સ્લોગનો સાથે સંસદના પરિસરમાં દેખાવો યોજવામાં આવ્યા હતા.
‘આ વિરોધ પ્રદર્શનો હજુ પણ ચાલુ રખાશે,’તેમ સોનિયા ગાંધીએ કહ્યું છે. સત્તાધારી પક્ષ તરફથી સસ્પેન્શન મામલે કોઈ સમાધાનની ફોર્મ્યૂલા આવી નથી એમ કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું. દરમિયાન, લોકસભામાં કોંગી સાંસદોના સસ્પેન્શન મામલે બીજા દિવસે પણ મુખ્ય વિપક્ષો-એનસીપી, આરજેડી અને સપાના સાંસદોએ વિરોધમાં વોકઆઉટ કર્યો હતો. રાજ્યસભામાં પણ વિપક્ષોએ એક સાથે થઈને કોંગ્રેસના સાંસદોના સસ્પેન્શન મામલે વિરોધ દર્શાવતાં ગૃહના કાર્યવાહી ચાલી શકી નહોતી.

http://navgujaratsamay.indiatimes.com/national/Parliament-logjam/articleshow/48365342.cms