સરકારે પોતાનું બ્રાન્ડિંગ કરવા પાછળ જ રૃા. ૨૮૦૦ કરોડ ખર્ચ્યા
ગુજરાત સરકાર પર અધધધ કહી શકાય તેટલું રૃપિયા ૧૮૧૦૦૦ કરોડનું દેવું હોવા છતાં જાત-જાતના મહોત્સવો અને ઉત્સવો પાછળ કરોડો રૃપિયાનો ખર્ચ કરી રહી છે. છેલ્લા ૧૪ વર્ષ દરમિયાન ભાજપ સરકારે પ્રવેશોત્સવ, ગુણોત્સવ, નવરાત્રિ ઉત્સવ, પતંગોત્સવ, કૃષિ મહોત્સવ, રણોત્સવ અને હવે છેલ્લે પોળો ઉત્સવો સહિતનાં મેળાવડાઓ પાછળ ૧૪૦૦ કરોડ રૃપિયા ખર્ચી નાખ્યા છે.
આનાથી વધુ નાણાં એટલે કે રૃપિયા ૨૮૦૦ કરોડ તો વ્યક્તિગત બ્રાન્ડીંગ ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી અને જાહેરાતો પાછળ વેડફાયા છે. કોંગ્રેસનાં પ્રવકતા મનિષ દોશીએ આક્ષેપ કર્યો છે કે, મધ્યાહન ભોજન યોજના, શ્રમ અને રોજગાર વિભાગ, કૌશલ્યવર્ધન કેન્દ્રો, આંગણવાડી, આશાવર્કર, હોમગાર્ડના જવાનો સહિતના કર્મચારીઓને નિયમ મુજબ સામાન્ય વેતન પણ ત્રણ ત્રણ મહિના સુધી ચુકવાતું નથી અને સરકાર વર્ષે કરોડો-અબજો રૃપિયા નકામા વેડફી રહી છે.
સમગ્ર દેશમાં સૌથી ઓછું વેતન મેળવતા ગુજરાતનાં ૪૦ હજારથી વધુ હોમગાર્ડનાં જવાનોને અનેક વખતે મોડો પગાર ચૂકવાય છે. ગુજરાત સરકાર પર ૧૮૧૦૦૦ કરોડનું દેવું છે. આમ છતાં સરકાર નીતનવા ઉત્સવો અને મોટા પેકેજો જાહેર કરવામાં નાણા વેડફી નાખે છે. વાસ્તવમાં સરકારે પોતાની વાહવાહી લૂંટવા તેમજ પોતાની પ્રશસ્તી માટે પ્રજાના નાણાને વેડફવા જોઈએ નહીં.
વિવિધ ઉત્સવો અને મહોત્સવો પાછળ બીજા ૧૪૦૦ કરોડ વેડફી નાખ્યા : કોંગ્રેસ
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad-gujarat-bjp-festivals-applications