સરકારના દબાણથી ન્યુઝ ચેનલના ત્રણ પત્રકારોએ નોકરી છોડવી પડી :કોંગ્રેસ
કોંગ્રેસે આજે લોકસભામાં આક્ષેપ કર્યો હતો કે સરકારના દબાણથી અગ્રણી (એબીપી) ન્યુઝ ચેનલના ૩ પત્રકારોને હટાવી દેવાયા છે. સમાચાર ચેનલના મેનેજિંગ એડિટર મિલિંદ ખાંડેકર અને બે અગ્રણી ન્યુઝ એન્કર પુણ્ય પ્રસુન બાજપાઈ તથા અભિસાર શર્માના શૉ અટકાવી દેવાયા છે ્અને રજા પર ઉતારી દેવાયા છે.
ખેડૂતોની આવક બમણી થઈ હોવાનો વડા પ્રધાનનો દાવો ખોટી પાડતી સ્ટોરી ચેનલે પુણ્ય પ્રસુનના શો માસ્ટર સ્ટ્રોકમાં ચલાવી હતી. એ કાર્યક્રમ પછી સરકારનું જુઠ્ઠાણું પકડાઈ ગયુ હતુ. માટે આ શો થોડા દિવસથી બંધ થયો હતો. ચેનલથી પત્રકારો દૂર થયા પછી કોંગ્રેસે આજે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસી નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું હતુ કે સરકાર સ્વતંત્ર મીડિયા પર તરાપ મારવા માંગે છે.
સરકારના દબાણથી જ ચેનલે આ પત્રકારોને નોકરી મુકવાની અથવા તો તેમનો મહત્ત્વનો કાર્યક્રમ બંધ કરી રજા પર ઉતરી જવાની ફરજ પાડી છે. પુણ્ય પ્રસુન બાજપેઈના રાજીનામાની ખબર પછી અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓે ટ્વીટર પર આ મુદ્દે સરકારની નીતિ પર સવાલ કર્યા હતા. તો વળી અન્ય પત્રકારો અને દર્શકોએ ચેનલના મૌન અને સરકાર આગળ ઝુકી જવાના વલણ સામે ટીકા કરી હતી.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/with-the-pressure-of-government-three-journalists-from-the-news-channel-had-to-quit-their-j