સતત વિદેશમાં ફરતા રહેતા મોદીને NRI પાસપોર્ટ આપી દો : નગ્મા
વિકાસના નામે કશુ કર્યુ નથી એટલે લોકોનું બીજા મુદ્દાઓમાં ધ્યાન ભટકાવી દેવાય છે
વડોદરા,શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે એ વાત ભૂલી જાય કે તેઓ કોઇ પ્રદેશના સીએમ કે પ્રચારક છે. તેઓએ હવે ખરેખર તેમના સૂત્ર ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ મુજબ કામ કરી બતાવવુ જોઇએ. જોકે આ બધુ કરવાનો તેમની પાસે સમય નથી. તેઓ કાયમ વિદેશ ફરતા રહે છે માટે તેમને એનઆરઆઇ પાસપોર્ટ આપી દેવો જોઇએ, તેમ અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના મહામંત્રી અને બિહારના પ્રભારી ફિલ્મ અભિનેત્રી નગમાએ અત્રે કહ્યું હતું.
વડોદરામાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર એવું કહે છે કે ૧૭ મહિનાના શાસનમાં ક્રાઇમરેટ નીચો ગયો છે, પણ ૧૭૦૦ વખત સરહદ પર સામસામે ફાયરિંગ થયા છે અને આપણા સૈનિકો મર્યા છે, તેનું શું? આ સરકારે ચૂંટણી પ્રચારમાં જે વચનો આપ્યા હતા, તે કોઇ હજી પૂરા કર્યા નથી. વિકાસના નામે કશું જ કર્યું નથી અને એટલે જ લોકોનું ધ્યાન બીજા મુદ્દાઓમાં ભટકાવી દે છે.
ગુજરાત મોડેલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે વડાપ્રધાન જ્યારે અહીંના મુખ્ય પ્રધાન હતા ત્યારે ‘સેઝ’ માં આદિવાસીઓની જમીનો લઇ યુવાનોને નોકરી – રોજગારના વચનો આપ્યા હતા. ૨૦ વર્ષથી ઓબીસી લોકોની આરોગ્યલક્ષી સુવિધાઓમાં કોઇ સુધારો-વધારો કરાયો નથી. નેનો કંપનીને ૦.૧ ટકાના દરે લોન આપી જ્યારે શિક્ષણ માટે ૪.૫ ટકા દરે લોન અપાય છે. આ ક્યાંનો ન્યાય? મોદી સીએમ હતા ત્યારે ૮૦ હજાર કરોડનું કર્જ હતું, જે હવે વધીને બે લાખ કરોડનું થઇ ગયું છે. આ છે ગુજરાત મોડેલ. ગુજરાતમાં સીએમ તરીકે એક મહિલા છે. આજે ગુજરાતમાં મહિલા સુરક્ષિત નથી. ચેઇન સ્નેચિંગના બનાવો વધી ગયા છે.
પાટીદાર આંદોલન સંદર્ભે એક સવાલના અનુસંધાનમાં તેમણે કહ્યું કે અન્યાય સામે અવાજ કોઇ ઉઠાવે તો તેને બંધ કરી દેવાય છે.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda-gujarat-chief-minister-narendra-modi-nagma