સંસદની બહાર ફેંકી દેશો તો પણ રાજીનામા લઇને જ જંપીશું : રાહુલ ગાંધી

લલિત ગેટ અને વ્યાપમંમાં સંડોવાયેલા ભાજપના કેન્દ્રીય મંત્રી અને બે રાજ્યોના મુખ્યમંત્રીઓના રાજીનામા મુદ્દે સંસદમાં દેખાવો કરી રહેલા કોંગ્રેસના ૨૫ સાંસદોને સોમવારે લોકસભામાંથી સસ્પેન્ડ કરાયા બાદ મંગળવાર સવારથી જ આક્રમક બનેલા કોંગ્રેસ સહિતના વિરોધપક્ષોએ ભાજપ સરકારને ઘેરવામાં કોઇ કસર બાકી રાખી નહોતી. સંસદમાં બંને ગૃહોની કાર્યવાહીનો બહિષ્કાર કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંહ સહિતના કોંગ્રેસના સાંસદોએ ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કરી સંસદ પરિસરમાં કાળી પટ્ટીઓ, બેનરો અને સૂત્રોચ્ચાર સાથે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ધરણા કર્યાં હતાં. ભાજપના મતે બાળક ગણાતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ સરકારને ખુલ્લો પડકાર ફેંકતાં જણાવ્યું હતું કે તમે અમને બધાંને ઊંચકીને સંસદની બહાર ફેંકી દેશો તો પણ અમે દબાણ ઓછું કરવાના નથી. ભાજપના કૌભાંડી નેતાઓના રાજીનામાની માગ કરતાં રહીશું. વડા પ્રધાન મોદીને મનની વાત કરવાની ટેવ છે, તેમણે ક્યારેક હિંદુસ્તાનના મનની વાત પણ સાંભળી લેવી જોઇએ. સુષમા સ્વરાજ, વસુંધરા રાજે અને શિવરાજ ચૌહાણના રાજીનામા હું અને કોંગ્રેસ નહીં પરંતુ સમગ્ર દેશ માગી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ સરકાર પ્રત્યે આકરું વલણ અપનાવતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના ૨૫ સાંસદોને સસ્પેન્ડ કરીને કેન્દ્રની ભાજપ સરકાર લોકતંત્રની હત્યા કરી રહી છે.

http://www.sandesh.com/article.aspx?newsid=3107705