શ્રમિકોની સ્થિતિ સુધારવા વાતોની નહીં, સારી નીતિની જરૂર : સોનિયા ગાંધી
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ ફક્ત વાતો, સૂત્રો અને વચનોથી કામદારોની સ્થિતિ સુધરે નહીં એમ કહીને ઉમેર્યું હતું કે શ્રમિકોના જીવન ધોરણમાં બદલાવ લાવવા માટે સારી યોજનાઓ અને નવી નીતિ લાવવી પડશે.
શ્રમિક દિવસની ઉજવણી પ્રસંગે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે મજૂરોની અથાગ મહેનતને કારણે જ ભારત આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે, દેશના કામદાર રાષ્ટ્રીય વિકાસની ચાવી છે અને સમાજને પરિપકવ અને વિકસિત કરવામાં સહાયક પણ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, દેશમાં અસંગઠિત ક્ષેત્રના કામદારોના જીવનમાં ફેરફાર કરવા માટે સરકારોએ નવી નીતિ અને સારી યોજનાઓનો અમલ કરવો પડશે. બધાને એ સ્વીકારવું પડશે કે દેશનું નિર્માણ કરનાર કામદારની સ્થિતિ ફક્ત વાત, સૂત્રો અને વચનોથી બદલાશે નહીં, પરંતુ સાચી પ્રતિબદ્ધતા તથા કામદારોને સમાન અધિકાર અને ન્યાય આપવાથી જ બદલાશે. સોનિયા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે જો વિકાસના માર્ગમાં કામદાર પાછળ રહી જશે તો વિકાસ અર્ધસત્ય બની રહેશે.
http://sandesh.com/workers-status-fixes/