શાહીબાગમાં દૂષિત પાણી મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના ઘરે લોકોનો મોરચો
મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી નજીક આવતાની સાથે જ વોર્ડના સ્થાનિક પ્રશ્નોના મુદ્દે રાજકીય મોરચા તેજ થવા લાગ્યા છે. ગિરધરનગર વોર્ડના વિવિધ વિસ્તારોમાં પ્રદુષિત અને દુર્ગંધવાળા પાણીના મુદ્દે આજે મંગળવારે વહેલી સવારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવિણભાઇ પટેલના નિવાસસ્થાને મહિલાઓના ટોળાએ ઘેરાવ કર્યો હતો. મહિલા કોંગ્રેસની કાર્યકરોએ આક્રમક સુત્રોચ્ચાર કરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ઘરની જાળીઓ ખખડાવી હતી. મહિલા આગેવાનોએ આક્ષેપ કર્યા હતા કે, પ્રદુષિત પાણીના મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સોસાયટી આગળ અમે પહોંચ્યા તે જોઇને ચેરમેન ભાગી ગયા હતા. જોકે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ આક્ષેપને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા હતા.
ગિરધરનગર વોર્ડમાં પ્રદુષિત પાણીને લીધે પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. સ્થાનિકોની વારંવારની ફરિયાદો છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી. જેથી આજે શાહીબાગ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ કેમ્પ રોડ ઉપર આવેલી નળકુંજ સોસાયટી વિભાગ-૧માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ઘરનો ઘેરાવ કર્યો હતો. મહિલા કાર્યકરોના ટોળાઓ પ્રદુષિત પાણીની બોટલો સાથે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. આ અંગે મહિલાઓએ આક્ષેપ કર્યા હતા કે, ગિરધરનગર વોર્ડમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર પ્રવિણભાઇ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનીને બેઠા છે પણ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓના કામો થતા નથી. ગિરધરનગર વોર્ડમાં રસ્તાઓ તુટયા છે. ગટરો ખુલ્લી હોય છે. જેની સામે પ્રવિણભાઇ પટેલના ઘરનો ઘેરાવ કર્યો હતો. જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો હજુ ઉગ્ર આંદોલન કરાશે.
ગિરધરનગર વોર્ડના જુદા-જુદા વિસ્તારમાં પ્રદુષિત પીવાનું પાણી આવી રહ્યું છે જેથી અમે પ્રદુષિત પાણીની બોટલ લઇને સવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવિણભાઇ પટેલના ઘરે પહોંચ્યા હતા પણ તેઓ અમને જોઇને ગાડીમાં ભાગી ગયા હતા. પ્રદુષિત પાણીના મુદ્દે વારંવાર રજૂઆતો કરી છે પણ ઉકેલ આવતો નથી. ચેરમેન તો અમને તમે કોંગ્રેસને વોટ આપો છો, તમારા કામ નહીં થાય તેમ કહીને ધુત્કારે છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3113307