વિલંબથી જાહેર થયેલું પેકેજ મજાક સમાન : ભરતસિંહ
ગુજરાત સરકાર દ્વારા અતિવૃષ્ટિમાં ભોગ બનેલા પરિવારોના પુનઃસ્થાપન માટે આજે જાહેર કરેલા પેકેજને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અસરગ્રસ્તોની મજાક સમાન ગણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે હજારો ખેડૂતોની તમામ જમીન નષ્ટ પામી છે,હજારો નાના-મોટા વેપારીઓના ધંધા રોજગાર સંપૂર્ણ પણે નષ્ટ થયા છે, હજારો પરિવારો ઘરવિહોણા થયા છે, દશ હજાર કરતાં વધુ પશુઓના મોત થયા છે, ત્યારે સરકારે લાંબો સમય વિલંબ કર્યા બાદ એકદમ નજીવી રકમ અસરગ્રસ્તો માટે ફાળવી છે. વાસ્તવિક્તા તો એ છે કે કોંગ્રેસે કરેલા આંદોલન પછી સરકારને પેકેજ જાહેર કરવાની ફરજ પડી છે.
કોંગ્રેસે માગણી કરી છે કે સૌરાષ્ટ્રના અતિવૃષ્ટિમાં ભોગ બનેલા પૂરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોની પૂરથી ધોવાઈ ગયેલી જમીનો લેવલિંગ કરી તેમાં માટી પુરાણનો સંપૂર્ણ ખર્ચ સરકારે આપવો જોઈએ. ઉપરાંત આ ખેડૂતોનું ચાલુ વર્ષનું પાકધિરાણ સંપૂર્ણ માફ કરવું જોઈએ. પરંતુ સરકારે કોઈ પણ પ્રકારના વાસ્તવિક સર્વે કર્યા વિના રકમ ફાળવી હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં પશુઓના મોટા પ્રમાણમાં મોત થયા છે અને જે ઢોર ઢાંખર બચી ગયા છે તેમના માટે ઘાસચારાનો મોટો પ્રશ્ન છે. શાળા- કોલેજોના મકાનો નાશ પામ્યા છે. ત્યાં તાત્કાલિક વૈકલ્પિક શિક્ષણ વ્યવસ્થા ઊભી થાય તે જરૂરી છે. અભ્યાસ કરતા બાળકો- વિદ્યાર્થીઓના પાઠયપુસ્તકો- સ્ટેશનરી નાશ પામ્યા છે. શાળાની ફી સહિતની સહાય સરકારે ચૂકવવી જોઈએ. અસરગ્રસ્ત રહીશોનું ૧૨ માસનું વીજબીલ માફ કરવા તથા કૃષિ વીજ જોડાણમાં પાંચ વર્ષ વીજબીલમાં માફી આપવા કોંગ્રેસે માગણી કરી છે. કોંગ્રેસ પક્ષ અસરગ્રસ્તો માટે રૂ. ૨ હજાર કરોડના પેકેજની માગ કરે છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3099032