વિધાનસભાનું સત્ર પાંચ દિવસ બોલાવી પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરો: શંકરસિંહ
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ત્રણ દિવસ બોલાવીને સરકારે ચર્ચાથી દૂર ભાગવાને બદલે કમ સે કમ પાંચ દિવસનું બોલાવવાની માગણી કરતા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે, સરકાર પાસે મુદ્દા ન હોય તો કોંગ્રેસ પ્રજાહિતના મુદ્દા આપવા તૈયાર છે.
વિપક્ષી નેતાએ જણાવ્યું કે, ત્રણ દિવસના સત્રમાં પ્રથમ દિવસ પૂર્વ રાષ્ટ્રપતિ ડો.કલામ સહિતના મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપવામાં જશે. બાકીના દોઢ દિવસમાં છેલ્લા દિવસે સવારની બેઠક રહેશે. એટલે ધારાસભ્યોને ચર્ચા માટે માત્ર એક જ દિવસ મળશે. હકીકતમાં પ્રજાના પ્રશ્નોને વિધાનસભામાં જે વાચા-વજન મળવું જોઈએ તે મળતું નથી. જેના કારણે પ્રજાના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવવાની તક મળતી નથી તેનું દુ:ખ અને વસવસો કોંગ્રેસને છે.
અગાઉ સત્ર વધુ દિવસો માટે બોલાવવા રજૂઆતો કરેલી છે પરંતુ સરકારની કાર્યપદ્ધતિમાં કોઈ ફરક પડ્યો નથી પરંતુ સરકારે સત્રના દિવસો વધારવા માટે વિચાર કરવો જોઈએ એમ, તેમણે ઉમેર્યું છે. ફરજિયાત મતદાનના કાયદાને નાગરિકોના બંધારણીય હક વિરુદ્ધનું પગલું ગણાવતા તેમણે કહ્યું કે, સરકાર જોહુકમી, દાદાગીરીથી આ કાયદો લાગુ કરી શકે નહીં. બહુમતીના જોરે આવો કાયદો બનાવી શકાય અને રાજ્યપાલ પણ મંજૂરી-મત્તુ મારી શકે, પરંતુ પ્રજાની લાગણીઓને ઠેસ પહોંચવી જોઈએ નહીં. તમામ લોકો મતદાન કરે તે ઈચ્છનીય છે અને રાજકીય પક્ષો પ્રજાહિતના કામ કરે તો લોકો દોડીને મત આપે પરંતુ ભાજપ સરકાર તેમાં પણ સજાનું શસ્ત્ર ઉગામશે તો આગામી દિવસોમાં પ્રજા પણ ભાજપને સજા કરે તો નવાઈ નહીં.
આદિવાસી સહિતનો સમાજ મજૂરી માટે એક વિસ્તારથી બીજા વિસ્તારમાં સતત સ્થળાંતર કરતા હોય છે તેમના મતદાન માટે શું સગવડ ઊભી કરાઈ છે? તેવો સવાલ ઉઠાવતા વાઘેલાએ ઉમેર્યું કે, કોઈપણ પ્રકારના હોમવર્ક વિના ઉતાવળિયું પગલું ભર્યું છે. સરકારે પ્રજાનો પાયાનો અધિકાર અને સ્વતંત્રતા ન છીનવાય તેનો વિચાર કરવો જોઈએ.
http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/politics/Govt-should-ask-assembly-session-for-five-day-says-Shankarsinh/articleshow/48258241.cms