વિજય માલ્યા ભારત છોડતાં પહેલાં ભાજપના વરિષ્ઠ નેતાઓને મળ્યો હતોઃ રાહુલ ગાંધી
SBI સહિત 17 ભારતીય બેંકોના 9 હજાર કરોડ રૂપિયા લઈને ફરાર થયેલાં લીકર કિંગ વિજય માલ્યાને લઈને રાહુલ ગાંધીએ ભાજપના નેતાઓ પર પ્રહારો કર્યા છે. રાહુલે શનિવારે લંડનમાં આયોજિત એક કાર્યક્રમમાં આરોપ લગાવતાં કહ્યું કે માલ્યા ભારત છોડીને જતાં પહેલાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જેના દસ્તાવેજ પણ છે. જો કે તેઓએ ભાજપના નેતાઓનું નામ જણાવવાનો ઈન્કાર કરી દીધો. માલ્યા 2016માં ભારત છોડીને લંડન ભાગી ગયો હતો. તેને પરત લેવા માટે ભારતીય એજન્સીઓ ઈંગ્લેન્ડમાં કાયદાકીય લડાઈ લડી રહ્યાં છે.
રાહુલ ગાંધીએ ઈન્ડિયન જર્નાલિસ્ટ એસોસિએશનના કાર્યક્રમમાં કહ્યું કે મોદી સરકાર ભારતીય બેંકોની સાથે દગાબાજી કરનારા વેપારી વિરૂદ્ધ કોઈ સખત પગલાં નથી ઉઠાવતી. આ દરમિયાન તેઓએ PNB કૌંભાડના મુખ્ય આરોપી નીરવ મોદી અને મેહુલ ચોકસીનું પણ નામ લીધું. તેઓએ આરોપ લગાવ્યો કે નીરવ-મેહુલની સાથે વડાપ્રધાનના સારા સંબંધ છે. આ કારણે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં ન આવી. તેઓએ માલ્યાને મુંબઈની આર્થર રોડ જેલમાં સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવા અંગેના સવાલ પર કહ્યું કે, આવું ન થવુંમ જોઈએ. ન્યાય બધાં લોકો માટે એક સરખો જ હોવો જોઈએ. માલ્યાના પ્રત્યાર્પણ કેસની સુનાવણી દરમિયાન બ્રિટનની કોર્ટે ભારતને આર્થર રોડ જેલનો વીડિયો સોંપવાનું કહ્યું છે, જ્યાં તેને રાખવામાં આવશે.
https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-rahul-gandhi-attack-on-modi-rss-in-various-issue-in-london-gujarati-news-5945395-NOR.html