રામ રામ જપના, ગરીબકા માલ અપના… નોટબંધી આર્થિક લૂંટ છે : રાહુલ ગાંધી
ઉત્તરાખંડનાં અલ્મોડામાં શુક્રવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધીને આર્થિક લૂંટ ગણાવી પીએમ મોદી પર આકરા પ્રહાર ચાલુ રાખ્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી ઇચ્છે છે કે, તમારાં નાણાં બેન્કોમાં જાય અને અમીરોનું રૂપિયા ૮ લાખ કરોડનું દેવું માફ કરી દેવામાં આવે. અમિતાભ બચ્ચનની એક ફિલ્મનું ગીત હતું કે,… રામ રામ જપના, ગરીબકા માલ અપના… એક સમયે અત્યંત ગાઢ સંબંધ ધરાવતા ગાંધી અને બચ્ચન પરિવાર વચ્ચે અત્યારે બોલવાના પણ સંબંધ ન હોવા છતાં રાહુલે પોતાનાં ભાષણમાં અમિતાભનો ઉલ્લેખ કર્યો હતો.
રાહુલે દાવો કર્યો હતો કે, નોટબંધીને કારણે પેદા થયેલી મુશ્કેલીઓમાંથી લોકોને હાલ કોઈ રાહત મળવાની નથી. મોદીએ જણાવ્યું હતું કે, મને ૫૦ દિવસ આપો, સ્થિતિ સામાન્ય બની જશે પરંતુ સ્થિતિ સામાન્ય બનતાં ૬-૭ મહિના લાગી જશે. નોટબંધીને કારણે થઈ રહેલાં મોત પર કોંગ્રેસ ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે, નોટબંધીને કારણે પડતી મુશ્કેલીથી ૧૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે, પરંતુ ૧૦૦ લોકોની યાદમાં અમને બે મિનિટ ઊભા થવાની સંસદમાં પરવાનગી અપાઇ નહોતી.
http://sandesh.com/rama-rama-chanting-garibaka-cargo-up/