રાજ્યમાં રોગચાળો : છ શહેરોમાં કોંગ્રેસનો વિરોધ

ગુજરાતમાં સ્વાઈન ફલૂ, ડેન્ગ્યુ, ઝેરી મેલેરિયા, કમળો, ઝાડા-ઊલટી સહિતના બેફામ વ્યાપેલા રોગચાળાને ડામવામાં નિષ્ફળ ભાજપ સરકારને જાગૃત કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા આજે ૬ મહાનગરોમાં ધરણા અને દેખાવો યોજવામાં આવ્યા હતા. સુરત ખાતે ૧૪૪મી કલમના ભંગ બદલ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

પ્રદેશ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું છે કે હોસ્પિટલોમાં એક તરફ દર્દીઓનો વધારો થતો જાય છે, બીજી તરફ હોસ્પિટલોમાં અપૂરતી સુવિધાઓના કારણે દર્દીઓ અત્યંત કફોડી હાલત ભોગવી રહ્યા છે. આરોગ્ય સેવા પાછળ સરકાર કરોડો રૂપિયા ફાળવે છે પરંતુ ભ્રષ્ટાચાર અને વચેટિયાઓના કારણે દર્દીઓને મફત દવા કે સારવાર મળતાં નથી. તંત્રને જાગૃત કરવા ભાજપના કહેવાતા વિકાસ મોડેલ સામે સૂત્ર આપવામાં આવ્યું હતું કે ”વિકાસ નામે હવા છે, ના ડોક્ટર છે, ના દવા છે.”

આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર ખાતે હોસ્પિટલ સામે પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયા હતા.

http://www.sandesh.com/article.aspx?newsid=3133261