રાજ્યમાં દાવાનળ જેવી સ્થિતિ: તપાસ કરવા કોંગ્રેસની માગ

રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા  25 ઓગસ્ટે યોજાયેલી રેલી પછી સર્જાયેલી અશાંતિ અને દમનકારી સ્થિતિ માટે કોણ જવાબદાર છે તેની તપાસ કરવા હાઇકોર્ટના સીટિંગ જજની સમિતિની રચના કરવાની માગણી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કરી છે. રાજ્યમાં અશાંત સ્થિતિ વિશે મંગળવારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ બોલાવાઈ હતી, જેમાં પ્રદેશ પ્રમુખ સોલંકી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, ધારાસભ્ય શકિતસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓએ પાટીદાર અનામત આંદોલન પછીથી સર્જાયેલી સ્થિતિ વિશે પ્રતિભાવ આપ્યા હતા.
પ્રદેશ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં કરફ્યુ હોય છે, પણ ઇન્ટરનેટ કરફ્યુનો પહેલી વખત ગુજરાતની પ્રજાને અહેસાસ થયો છે. અત્યાર સુધી ખેડૂતો નારાજ, યુવાનો શિક્ષિત બેરોજગાર, પ્રવેશના પ્રશ્ન, મોંઘવારીના પ્રશ્ન, નાના-મોટા વેપાર અને ઉદ્યોગ ધંધા ઠપ થઈ ગયા છે ત્યારે વાઇબ્રન્ટ, નંબર વન, ગતિશીલ અને ગુજરાત મોડેલના નામે વિકાસની વાત કરતી સરકારની પાટીદાર આંદોલને પોલ ખોલી છે. તેમણે પોલીસના અત્યાચાર, બહેન-દીકરીઓ સાથે બીભત્સ વર્તન સહિતના મુદ્દાને લઈને હાઇકોર્ટના સીટિંગ જજ દ્વારા તપાસ કરવાની માગણી કરી હતી.

http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-gujarat-congress-leader-opinion-on-gujarats-present-atmosphere-5101061-NOR.html