રાજ્યમાં એટ્રોસિટીના ૫,૨૬૮ કેસમાં ન્યાય ક્યારે?

આધુનિકતાના દોરમાં પણ ગુજરાતમાં આભડછેટ અને અસ્પૃશ્યતાના કિસ્સા વધતાં જોવા મળે છે. છેલ્લાં ત્રણ જ વર્ષના સમયગાળા દરમિયાન ૩,૯૦૫ કેસો એટ્રોસિટીના નોંધાયા છે જ્યારે અત્યારે પણ ૫,૨૬૮ એટ્રોસિટીના કેસ એવા છે જેમાં લોકો ન્યાયનો કાગડોળે ઈન્તેજાર કરી રહ્યા છે.

સામાન્ય રીતે કોઈને જાતિવિષયક અપશબ્દો બોલવામાં આવે ત્યારે જે તે વ્યક્તિ સામે કાયદાકીય રીતે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવે છે. અલબત્ત, રાજ્યમાં આવા મોટા ભાગના કેસોમાં પુરાવાના અભાવે આરોપીઓ નિર્દોષ છૂટતાં હોવાનો આરોપ વિપક્ષ દ્વારા વારંવાર કરવામાં આવતો હોય છે, જેની પાછળ પોલીસ તપાસ સામે આંગળી ચીંધવામાં આવે છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા સવાલના જવાબમાં રાજ્યના કાયદામંત્રીએ આપેલી માહિતી અનુસાર, પહેલી ડિસેમ્બર ૨૦૧૪ની સ્થિતિ મુજબ ત્રણ વર્ષમાં ૩,૯૦૫ કેસો દાખલ થયેલા. જોકે, છેલ્લા ત્રણ વર્ષના આ સમયગાળા દરમિયાન એટ્રોસિટીના કેસોમાં માંડ ૧૫૫ આરોપીઓને જ સજા થઈ છે, બાકીના મોટા ભાગના એટલે કે ૧,૭૮૦ આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ છૂટયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સેપ્ટના અહેવાલ મુજબ ગુજરાતના ૧૫૮૯ ગામોમાં આભડછેટના ગંભીર બનાવો બન્યા હતા. આ અહેવાલ છેલ્લાં પાંચેક વર્ષથી ગુજરાત સરકાર વિધાનસભા ગૃહમાં પેશ કરતી નથી. એટલું જ નહિ પરંતુ થાનગઢ પોલીસ ફાયરિંગનો અહેવાલ પણ આજ દિન સુધી રજૂ કરાયો નથી.

http://www.sandesh.com/article.aspx?newsid=3117956