રાજ્યભરમાં મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા વિરોધ પ્રદર્શનો
“અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર.. અબકી બાર મોદી સરકાર ” જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે 125 કરોડ દેશવાસીઓ અને ગુજરાતના 6 કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ-સામાન્ય-મધ્યમર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું છે ત્યારે ભાજપ સરકારની બેજવાબદાર નિતી, સંગ્રાહખોરી-જમાખોરીને પ્રોત્સાહન આપવાની નિતીની સામે કોંગ્રેસે ભાજપ સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે.
જેના અંતર્ગત બુધવારે મહિલા કોંગ્રેસ દ્વારા ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓની શાકમાર્કેટોમાં મોંઘવારી સામે વિવિધ બેનરો અને સુત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શનો અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. આ સાથે જો મોંઘવારીમાં ઘટાડો નહી થાય તો મહિલાઓ દ્વારા આગામી દિવસોમાં હજુ મોટી સંખ્યામાં મોટું આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા તા. ૨૩મી જૂન થી ૨૯મી જૂન સુધી રાજ્ય વ્યાપી કાર્યક્રમો આપવાના શરુ કર્યા છે, આ સાથે કોંગ્રેસે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, એક તરફ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના બેફામ ભાવ, કાળા બજાર, સંગ્રહખોરો બેખોફ ને લીધે દાળ, ચોખા સહિતની ચીજ વસ્તુઓ થાળીમાંથી ગાયબ થઈ ગઈ છે. ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલ પર લેવાતા વેટમાં 1 ટકા અને સેસમાં 2 ટકાનો વધારો અને ડીઝલ પરના વેટના દર 3 ટકા વધારીને મોંઘવારીનો માર ગુજરાતીઓને આપવાનું ચાલુ રાખ્યું છે. સમગ્ર દેશમાં ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર સૌથી વધુ વેટ વસૂલે છે અને પરિણામે ગુજરાતના નાગરિકો મોંઘવારીનો ભોગ બની રહ્યાં છે.
ત્યારે હજુ આગામી દિવસોમાં કોંગ્રેસના અલગ અલગ વિભાગો દ્વારા વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શનો યોજવામાં આવશે અને સામાન્ય લોકોની વચ્ચે જઈ હલ્લાબોલ કરવામાં આવશે.
http://www.vishvagujarat.com/congress-protests-against-inflation-in-gujarat/