રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત બેઠક
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષસ્થાને અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ અને રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં સંગઠનના પ્રદેશ પદાધિકારીઓ, જીલ્લા પ્રમુખો, જીલ્લા પંચાયતના નેતાશ્રીઓ, જીલ્લા નિરીક્ષકશ્રીઓ, જીલ્લામાં આવતી નગરપાલિકાના નિરીક્ષકશ્રીઓની બેઠક યોજાઈ હતી.
પ્રદેશ પદાધિકારીઓ, જીલ્લા પ્રમુખો, જીલ્લા પંચાયતના નેતાશ્રીઓ, જીલ્લા નિરીક્ષકશ્રીઓ, જીલ્લામાં આવતી નગરપાલિકાના નિરીક્ષકશ્રીઓની બેઠકને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સાથ સાંઠગાંઠ કરનારાઓને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહિ આવે. કોંગ્રેસ પક્ષ સહકારી માળખામાં અસરકારકતાથી જીતે તે આવકાર્ય છે પણ સહકારી માળખામાં ભાજપ સાથે સાંઠગાંઠ કોઈ પણ સંજોગોમાં સ્વીકારી શકાય નહિ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી માટે આગોતરી તૈયારી કોંગ્રેસ પક્ષના સંગઠનમાં શરૂ કરી દેવામાં આવી છે. તમામ જીલ્લા પ્રમુખશ્રીઓ અને નિરીક્ષકશ્રીઓ તેમની જવાબદારી પ્રમાણે જિલ્લાઓના પ્રવાસ કરી ચુક્યા છે. સ્થાનિક કક્ષાના મુદ્દાઓ અનેક છે. રાજ્ય સરકાર અનેક મુદ્દાઓમાં પ્રજાને રાહત આપવામાં નિષ્ફળ નીવડી છે. ભાજપ શાસિત જીલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર છે. સ્થાનિક લોકોની વાતો સંભાળવા માટે શાસકો પાસે સમય નથી. ત્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો પ્રજાની સમસ્યાને વાચા આપવા માટે માધ્યમ બને.